Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ગૃહમાં જેવા - તેવા વ્યકિતને મોકલતા નહિં, લાલચુઓને સ્વીકારશો નહિં

લોકો માટે ચિંતીત નિષ્ઠાવાન ઉમેદવારને જ પવિત્ર મત આપવા ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂની હાકલ : જસદણ પંથકમાં લોકશાહી લોકજાગરણ યાત્રાને આવકાર : નાતજાતના ભેદભાવ ભુલી લોકો માટે કામ કરતા પ્રતિનિધિને વિધાનસભામાં મોકલવા જોઈએ : લોકો દેશના માલિક છે અને પક્ષ મેનેજર છે : ટીમ ઈન્દ્રનીલ ફોર યુની યાત્રાનું ગામે ગામ સ્વાગત : જનસસભામાં સ્થાનિક લોકો ઉમટ્યા

રાજકોટ, તા. ૧૪ : લોકો માટે ચિંતિત હોય લોકો માટે સતત દોડતો હોય લોકોની વચ્ચે સતત સંપર્કમાં હોય અને લોભ લાલચ વિનાનો નિષ્ઠાવાન ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં પવિત્ર મત આપવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જસદણ પંથકમાં લોકશાહી લોકજાગરણ યાત્રામાં હાંકલ કરી હતી.

લોકશાહી બચાવવા લોકશાહીના મૂલ્યોને જીવંત રાખવા ગાંધીજીના વિચારને લોકો સુધી પહોંચાડવા ટીમ ઈન્દ્રનીલ ફોર યુની લોકજાગરણ યાત્રા જસદણ પંથકમાં ફરી રહી છે. સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ અને સીધો સંવાદ કરે છે. લોકોને વધુમાં વધુ સુવિધા મળે તે અંગે વિચાર વિમર્શ થાય છે અને લોકોની કેટલી અને કયાં પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે કોના પાપે પ્રશ્નો ઉદ્દભવે છે મુશ્કેલી પેદા થાય છે. તેની પ્રશ્નોત્તરીની ચર્ચા પણ થાય છે. આ યાત્રામાં સ્થાનિક આગેવાનોમાં અવચરભાઈ નાકીયા, વિનુભાઈ ધડુક, રણજીતભાઈ મેર સહિતના હાજર રહ્યા હતા.

જસદણ પંથકમાં પેટા ચૂંટણીનું નિર્માણ થયું છે. માત્રને માત્ર અંગત સ્વાર્થના કારણે સરકારને વિનાકારણ લાખો રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચ કરવાને બદલે આ રૂપિયા ગામડાની સુવિધા પાછળ ઉપયોગ થયો હોત તો લોકોને રાહત થવા પામી હોત. પરિણામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ લોકજાગરણની જયોત પ્રગટાવી છે અને આવનાર ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારને ચૂંટી કાઢવા માટે અપીલ કરવામાં આવી છે.

નવાગામ, હાથસણી, જનડા, કંધેવાળીયા, કોટડા, અમરાપર, હિંગોળગઢ,  ભોયરા અને લાલવદરમાં જનસભાને સંબોધતા ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩)એ કહ્યું હતું કે વિધાનસભા અને લોકસભાગૃહ એ મંદિર અને મસ્જીદ જેવા પવિત્ર છે માટે પવિત્ર મતદાન કહેવાયુ છે ત્યારે આ ચૂંટણીમાં પવિત્ર પૂજારીને મોકલવા હાંસલ છે. લોકો માટે ચિંતિત હોય લોકસુવિધાના કામ માટે હાજરાહજુર હોય તેવા પ્રતિનિધિની વિધાનસભામાં જરૂર છે. ગૃહમાં જેવા તેવા વ્યકિતને મોકલતા નહિં, લુચ્ચા લાલચુને સ્વીકારશો નહિં, બિનસાંપ્રદાયીક, બિનલોભી પ્રતિનિધિને ગૃહમાં મોકલવા જોઈએ. આ દેશના માલિક લોકો છે પક્ષ માત્ર મેનેજર છે. સમજણ વગર મત આપવો નહિં, નાતજાતના ભેદભાવ ભૂલી યોગ્ય ઉમેદવારને લોકપ્રતિનિધિ બનાવવો જોઈએ.

કોઈપણ પક્ષની બહુમતી કરતા નિષ્ઠાવાન લોકોની બહુમતી વિધાનસભામાં જરૂરી છે. પાંચ વર્ષ સુધી વિધાનસભામાં મેં નજરોનજર નિહાળ્યુ છે. દેખાડા સિવાય કંઈ નથી તેમ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ અંતમાં કહ્યુ હતું.

દરમિયાન નવાગામ, હાથસણી, જનડા, કંધેવાળીયા, કોટડા, અમરાપર, હિંગોળગઢ, ભોયરા અને લાલવદરમાં જનસભા યોજાઈ હતી. સેંકડો લોકો ઉમટ્યા હતા અને આ યાત્રામાં અભિષેકભાઈ તાળા, હેમંતભાઈ વીરડા, જગદીશભાઈ મોરી, હારૂનભાઈ ડાકોરા, પરેશભાઈ શીંગાળા, જીતુભાઈ ઠાકર, રસીકભાઈ ભટ્ટ, હરીભાઈ નકુમ, મંજુબેન સરવૈયા, જીતુભાઈ રાઠોડ, નીરવભાઈ કીયાડા, લલીતભાઈ પરમાર, અનીતાબેન સોની, મનીષભાઈ કક્કડ, જયોત્સનાબેન ભટ્ટી, જયાબેન ચૌહાણ, હીનાબેન વડોદરીયા, રીટાબેન વડેચા, હાર્દિકભાઈ વડેચા, શૈલેષભાઈ મહેતા, દિલીપભાઈ મુંગરા, પ્રકાશભાઈ રાઠોડ, દિપ્તીબેન રાવીયા, જાગૃતિબેન જોષી, ક્રિષ્નાબેન જોષી, જય ઉનાગર, નિસર્ગ કિયાડા સહિતના જોડાયા હતા.

(12:32 pm IST)