Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વડાલમાં રૂ. ૧૭૬ લાખના ખર્ચે નલ સે જલ યોજનાનું ખાતમુર્હુત

જૂનાગઢ, તા.૧પઃ વડાલ ખાતે આગામી એક વર્ષમાં ખર્ચે નિર્માણ થનાર નલ સે જલ યોજનાનું પરીવહન, નાગરિક ઉડ્ડયન અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાની ઉપસ્થિતીમાં ખાતમુર્હુત કર્યું હતું.

૮૭૫૦ ની વસ્તી ધરાવતા વડાલના ગ્રામજનો માટે ૩ લાખ લીટરની ક્ષમતા, ૧ લાખ લીટરની ક્ષમતા, તેમજ ૩.૫૦ લાખ લીટર ક્ષમતાના ૩ ભૂગર્ભ સંપ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, નવીન મશીનરી, બોર, કૂવો, વિજ કનેકશન સહિતની આનેસંગીક સુવિધાનું નિમાર્ણ કરાશે. જેનાથી ૨૨૦૦થી વધું દ્યરમાં નળ કનેકશન દ્વારા પાણી મળતું થશે.

આ પ્રસંગે આયોજીત સમારોહમાં મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું કે, નાના શહેરો મોટા થયા છે, ગામડા ભાગતા જાય છે. પરંતુ વર્તમાન સરકાર નાના ગામડામાં પણ શહેરો જેવી રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધા આપી ગામડાને શહેર સમોવડા બનાવશે. દરેક સમાજ વર્ગના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલે જિલ્લામાં વાસ્મો દ્વારા નલ સે જલ યોજનાની કામગીરી  ઝડપ ભેર આગળ વધી રહી છે, તેમ જણાવી ઉમેર્યુ કે, અમારૂ લક્ષ લોકોને સુવિધા આપવાનું છે. દરેક સમાજ ક્ષેત્રનો વિકાસ સાધવાનું છે.

વડાલ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા, વડાલના સરપંચ વિજયાબેન દ્યરસંડીયા, મામલતદારશ્રી શામળા, વાસ્મોના યુનિટ મેનેજર કારિયા, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન અરવિંદભાઇ ધરસંડીયાએ, આભારવિધી કડવાભાઇ દોમડિયાએ અને કાર્યક્રમનું સંચાલન પી.એસ.ગજેરાએ કર્યું હતું.

(12:38 pm IST)