Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દ્વારકામાં લાંચમાં પકડાયેલા નાયબ કલેકટર નિહારભેટારીયા બરતરફ થશે

નિમણૂકને ૫ વર્ષ પૂર્ણ થતા ન હોય સરકારના કાયદાકીય નિયમ અનુસારની નીતિ મુજબ સંપૂર્ણ ફરજ મુકત કરાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૫ : દ્વારકામાં લાંચમાં પકડાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયા બરતરફ થશે, નોકરીમાંથી ફરજમુકત કરાશે તેની નિમણુકને ૫ વર્ષ પૂર્ણ થતા ન હોય સરકારના કાયદાકીય નિયમ અનુસારની નીતિ મુજબ સંપૂર્ણ ફરજમુકત કરાશે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે છેલ્લા આશરે બે વર્ષથી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વર્ગ-૧ના અધિકારી એન.ડી. ભેટારીયા (નિહાર દુધાભાઈ ભેટારીયા) પાસે એક આસામી તથા તેમના બે મિત્રોને જરૂરિયાત હોવાથી પાક રક્ષણ માટે હથિયાર રાખવા અંગેનો પરવાનો મેળવવા માટેની નિયમ મુજબ દરખાસ્‍ત થોડા સમય પૂર્વે કરવામાં આવી હતી.
દ્વારકાની પ્રાંત કચેરીમાં કરવામાં આવેલી આ દરખાસ્‍ત મંજુર કરવાની સત્તા ધરાવતા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયાએ ઉપરોક્‍ત અરજદારોને વ્‍યક્‍તિ દીઠ રૂપિયા એક લાખ મળી ત્રણ પરવાના માટે કુલ રૂપિયા ત્રણ લાખની રકમની માગણી કરી હતી. આથી અરજદાર દ્વારા જાગૃતિ કેળવી અને એ.સી.બી. કચેરીનો સંપર્ક સાધવામાં આવ્‍યો હતો. જેના અનુસંધાને ગઈકાલે સવારે ગાંધીનગરથી ખાસ આવેલા એ.સી.બી. અધિકારી તથા તેમની ટીમે દ્વારકાની પ્રાંત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્‍યું હતું. જેમાં લાંચની રકમ રૂપિયા ત્રણ લાખ સ્‍વીકારતા પ્રાંત અધિકારી ભેટારીયા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.
આ કાર્યવાહી બાદ ઉપરોક્‍ત અધિકારીને એ.સી.બી. દ્વારા જિલ્લાના મુખ્‍ય મથક ખંભાળિયા સ્‍ધિત એ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્‍યા હતા. જયાં તેમની પૂછપરછ સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ટ્રેપ બાદ ઝડપાયેલા અધિકારી ભેટારીયાના દ્વારકા સ્‍થિત નિવાસસ્‍થાને એ.સી.બી.ના અધિકારીઓ દ્વારા ચેકિંગ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજરોજ શુક્રવારે કોરોના રિપોર્ટ બાદ તેમને અહીંના મેજિસ્‍ટ્રેટ સમક્ષ રજૂ કરી અને રિમાન્‍ડની માંગણી સહિતની કાર્યવાહી કરવામાં આવનાર છે.
અગાઉ પણ દ્વારકામાં ઉચ્‍ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતા
દ્વારકા તાલુકામાં થોડા સમય પૂર્વે એક પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. એટલું જ નહીં, અગાઉ એક મામલતદાર પણ ‘વહીવટ' કરતા એસીબીની ઝપટમાં ચડી ગયા હતા.
પકડાયેલા અધિકારી ભેટારીયા ચૂંટણી સંદર્ભેની કામગીરીમાં રાજય કક્ષાએ એવોર્ડ વિજેતા બન્‍યા હતા
છેલ્લા આશરે બે વર્ષથી દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારીયા થોડા સમય પૂર્વે ચૂંટણી સંદર્ભેની નોંધપાત્ર કામગીરી કરવા બદલ સમગ્ર રાજયમાં અગ્ર કમે આવતા તેઓને ચૂંટણીપંચ દ્વારા સન્‍માનિત પણ કરવામાં આવ્‍યા હતા. તેઓ આજે અધધધ રકમની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. જી.એ.એસ. કક્ષાના નવયુવાન અધિકારીને તેમની હાલ ટૂંકી કારકિર્દીના પ્રારંભે જ હવે આગામી દિવસોમાં ઘરે બેસવાનો વારો આવે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે
દ્વારકા જિલ્લાની આ પ્રકારની લપસણી મનાતી જમીન પર અનેક સરકારી અધિકારીઓ, કર્મચારીને લાંચ લેતા એ.સી.બી. દ્વારા અગાઉ ઝડપી લેવામાં આવ્‍યા છે. ત્‍યારે લાંચ આપવાના બદલે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ- કર્મચારીઓ સંદર્ભે એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા ફોન નંબર ૦૭૯- ૨૨૮૬૬૭૭૨ કે વોટ્‍સએપ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર માહિતગાર કરવા એસીબી દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.

 

(11:27 am IST)