Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જામનગરમાં ડેન્ગ્યુના વધુ ૧૦૮ કેસઃ એસટી ડિવીઝન ટાયરોના જથ્થામાં મચ્છરો મળ્યાઃ ગંદા પાણીનો નિકાલ કરવા નોટીસ

જામનગર, તા.૧૫ : જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલમાં ડેન્ગ્યુની બીમારીના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે. ગઈકાલે તાવની બીમારીના કારણે દાખલ થયેલા દર્દીઓ પૈકી વધુ ૪૮ દર્દીઓના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ડેન્ગ્યુની ઝપટે ચડેલા ૮ વિદ્યાર્થીઓ પૈકી બીજા વર્ષના ચાર તબીબી વિદ્યાર્થીઓને આજે હોસ્પીટલના બીછાને જ પોતાની પરિક્ષા આપી હતી. જામ્યુકોની આરોગ્ય વિભાગની ટીમ તેમજ એસ્ટેટ શાખાએ મચ્છરોની ઉત્પતી થતી હોય તેવા ગંદા પાણી ભરેલા એક નવા બાંધકામના સ્થળને સિલ કર્યું છે. જયારે બે મોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષને ૪૮ કલાકમાં સેલરમાં ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવા નોટીસ પાઠવી છે. એસ.ટી. ડીવીઝનમાં પડેલા વિશાળ સંખ્યામાં ટાયરોના જથ્થામાં ભરાયેલા પાણીમાં મચ્છરોના ઉત્પતી સ્થાન મળતા એસટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે.

હાલ જીજી હોસ્પીટલમાં ૨૧૦થી વધુ દર્દીઓ ડેન્ગ્યુની સારવાર હેઠળ છે.

મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ રાજય સરકારમાંથી આવેલા ડો. દિનકર રાવલ અને તેમની ટીમ દ્વારા એસ.ટી. ડીવી.માં તપાસ કરતા અંદાજે ૩૦૦થી વધુ વેસ્ટેજ ટાયરોના ઢગલામાં પાણી ભરેલા હતા અને તેમાં ડેન્ગ્યુના એડીસ મચ્છરોની ઉત્પતી પણ જોવા મળી હતી. જેથી એસટી તંત્ર ધંધે લાગ્યું હતું અને તમામ ટાયરોમાંથી ખાલી ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફોગીંગ તેમજ દવાઓનો છંટકાવ શરૂ કરાયો હતો.

મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તેમજ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આરોમ કોલોની વિસ્તારમાં હરદાસભાઈ ચંદ્રાવડીયા નામના આસામી દ્વારા નવા મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ બાંધકામ સ્થગીત છે અને તે સ્થળોએ પાણી ભરાયેલા છે જેમાં મોટા પ્રમાણમાં મચ્છરોની ઉત્પતી ધ્યાનમાં આવી હતી. જેથી બાંધકામના સ્થળને સિલ કરી દીધું હતું અને તાત્કાલીક અસરથી ગંદા પાણીનો નિકાલ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

ઉપરાંત ખંભાળીયા નાકા બહાર આવેલા શિવ હરી ટાવરમાં પાર્કીંગના ભાગમાં અને સેલરમાં મોટા પ્રમાણમાં ગંદા પાણી ભરેલા હોવાથી મચ્છરોની ઉત્પતી જોવા મળી હતી. કોમ્પલેક્ષના બે તબીબો તથા અન્ય વેપારીઓ વગેરેને ૪૮ કલાકમાં પાણી ખાલી કરાવવા માટેની નોટીસ પાઠવી છે જયારે ત્રણબતી નજીક અંજારીયા ચેમ્બર્સના પાર્કીંગમાં દ્યણા લાંબા સમયથી ગંદા પાણી ભરેલા હોવાથી ખુબ જ મોટા પ્રમાણમાં મચ્છરોની ઉત્પતી જોવા મળી હતી. જયાં ફોગીંગ મશીનો મારફતે તેમજ દવાઓનો છંટકાવ કરી કોમ્પ્લેક્ષના વપરાશ કર્તાઓને ૪૮ કલાકમાં ગંદા પાણીનો નિકાલ કરવા માટેની નોટીસ પાઠવવામાં આવી છે. સમય મર્યાદામાં પાણી ખાલી નહીં કરાવાય તો બંને કોમર્શીયલ કોમ્પ્લેક્ષને સીલ કરી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે.

(3:30 pm IST)