Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જૂનાગઢ સિવીલ માંદગીના ખાટલેઃ લેબોરેટરી-એકસ-રેમાં ધાંધિયા

સકકરબાગ ઝુનો સમય વધારવો જરૂરીઃ મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ગાંધીનગર ખાતે મંત્રીઓને રજૂઆત

જૂનાગઢ તા.૧૫: શહેરની સિવીલ હોસ્પિટલ ત્થા સકકરબાગ ઝુના પ્રશ્નો અંગે સામાજીક સંસ્થા મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ગાંધીનગર ખાતે લાગતા વળગના મંત્રીશ્રીઓને રજૂઆત કરાઇ હતી.જેની વિસ્તૃત વિગતો આ મુજબ છે.

સિવીલ હોસ્પીટલમાં ધાંધિયા

મધુર સોશ્યલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતીએ આરોગ્યમંત્રીને કરેલી રજુઆતમાં સરકાર દ્વારા જૂનાગઢમાં રૂ.૬૫૦ કરોડનાં ખર્ચે ઉભી કરાયેલી મેડીકલ કોલેજ સાથે જૂનાગઢ સિવિલની જોડાણ કરીને ખૂબજ સારી આરોગ્ય સવલત આપવાનો ઉમદા પ્રયાસ કરાયો છે. પરંતુ સિવિલનાં સતાવાળાઓની વહીવટી અણ આવડત અને કોઠા સૂઝનાં અભાવે સાધન સુવિધા હોવા છતાં X-Ray સોનોગ્રાફી સહિતની તબીબી સારવાર માટે આવશ્યક સેવાઓ અંશતઃ બંધ અથવા તો સંપૂર્ણ પણે ઠપ થઇ ગઇ છે.

જૂનાગઢ સિવિલમાં દરરોજની અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ ની ઓ.પી.ડી.સંખ્યા નોંધાયેલ છે અને સરેરાશ દરરોજના ૨૫૦ થી ૩૦૦ દર્દીઓને X-Ray સહિતની તપાસની આવશ્યકતા વચ્ચે લાંબા સમયથી રેડિયો લોજીસ્ટની ખાલી જગ્યાનાં કારણે રોજમદાર રેડિયો લોજીસ્ટ ર કલાક આવતા હોવાથી દર્દીઓને સમયસર X-Ray મળતા નથી તેથી મોટા ભાગે દર્દીઓને બહાર જવું પડે છે. વળી ડીજીટલ X-Ray માં ટેકનીકલ ફોલ્ટ હોવાથી સાદા X-Ray ચાલુ હોવા છતાં દર્દીઓ પાસે ડીજીટલ X-Rayનો આગ્રહ રાખવામાં આવે છે અને દર્દીઓને ખાનગી X-Ray વિભાગમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત સોનોગ્રાફી,સિટી સ્કેન, કલર ડોપ્લર,ની સુવિધા મંજૂર હોવા છતાં સિવિલમાં આ સુવિધા બંધ છે. ચેકીંગ દરમિયાન હંગામી ધોરણે બધી જગ્યાઓ ભરી લેવામાં આવે છે. અને ચેકિંગ પૂરી થાય એટલે માંગણી મુજબ બદલીનો ઓપચારિક પેપરવર્ક પુરૃં કરીને તંત્રને શિસ્તપૂર્વક આંખે પાટા બાંધી દેવાય છે.

જૂનાગઢ સિવિલમાં લાંબા સમયથી રેડિયો લોજીસ્ટની જગ્યા ખાલી છે. નવા વસાવેલા ડીજીટલ X-Ray નજીવા ટેકનીકલ ફોલ્ટથી બંધ છે. દર્દીઓને સામાન્ય કે ગંભીર બિમારીના નિદાન માટે સિવિલમાં એક થી વધુ ધક્કાઓ ખાનગી X-Ray માટે બહાર દોડાદોડીથી ભારે હાલાકી સહન કરવી પડે છે. જૂનાગઢ સીવિલ અને મેડીકલ કોલેજ જૂનાગઢ, પોરબંદર, ગીર,સોમનાથ, અમરેલી, જામનગર અને રાજકોટનાં બોર્ડરનાં ગામડાઓ માટે લાઇફ લાઇનની ગરજ સારે છે ત્યારે આ હોસ્પિટલની નજીવી અવ્યવસ્થા દૂર કરી દર્દીઓને X-Ray સહીતની સુવિધાઓ મળી રહે તે વ્યવસ્થા કરાવવા પ્રજાવતી માંગ  છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો સમય વધારો

આ ઉપરાંત સલીમભાઇ ગુજરાતીએ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો સમયવધારવા રજૂઆત કરી છે.

દરરોજના હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઝૂ ખાતે આવતા હોય ત્યારે છેલ્લા કેટલાક સમયથી સકકરબાગ મેનેજમેન્ટ દ્વારા કોઇપણ જાતના કારણ વગર ઝૂ નાં જાહેર દર્શન અને પ્રવાસીઓ માટેના મુલાકાતનો સમય સાડા છ માંથી સાડા ચાર કરી દેવામાં આવતા પ્રવાસીઓને મોટી મુશ્કેલીઓ પડે છે.

જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રવાસીઓ આખો દિવસનો પ્રવાસ ખેડીને આવતા હોય ત્યારે સવારે નીકળેલા શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસીઓ બપોરે જૂનાગઢ આવતા હોવાથી સકકરબાગ પહોચતા પહોચતા બપોરના બાર કે બે વાગ્યાનો સમય વીતી જાય છે. સકકરબાગ જોવામાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર કલાકનો સમય લાગતો હોય ત્યારે સાડા ચાર વાગ્યામાં સકકરબાગ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાતાં હોવાથી મોડા આવતા પ્રવાસીઓને અધવચ્ચેથી બહાર નકીળી જવું પડે છે અને કેટલાક પ્રવાસીઓને સમયના અભાવે દરવાજાની બહારથી પરત ચાલી જવું પડે છે. પ્રવાસીઓની સુવિધાઓ વધારવાની બદલે હયાત સૂવીધાઓ પણ ઘટાડવાની આ પેરવી આશ્ચર્યજનક જ નહિ પરંતુ સરકારની નિતીથી સાવ વિરૂધ્ધ હોય ત્યારે સકકરબાગના સમયને ફરીથી પુર્ણકાલીન કરવાની માંગ ઉઠી છે.

(1:38 pm IST)