Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જામનગરમાં ડેન્ગ્યુંએ ૧૩ વ્યકિતનો ભોગ લેતા તંત્રમાં દોડધામ : મીટીંગોનો ધમધાટ

જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાને નાથવા મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીઓની ટીમો સતત મીટીંગ હોસ્પિટલ તથા વિવિઘ વિસ્તારોની મુલાકાત લઇ રહી છે તે પ્રસંગની તસ્વીર(તસ્વીર-કિંજલ કારસરીયા)

જામનગર, તા.૧૫: જામનગરમાં ડેન્ગ્યુએ ૧૩ના ભોગ લીધો છે. રવિવારે પશ્યલ ગોડવીન નામના ૬૨ વર્ષીય વૃદ્ઘનું સારવાર દરમિયાન મોત નિપજયાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પણ ડેંગ્યુના અનેક દર્દીઓ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધૂરામાં પૂરું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખાટલા અને ગાદલાઓ ખૂટયા છે.

છેલ્લા ત્રણ મહિનામાં૧૫૦૦થી વધુ ડેંગ્યુના કેસો નોંધાયા છે. અને ખાનગી હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓનો રાફડો જોવા મળી રહ્યો છે. ડેગ્યુથી ટપો ટપ મૃત્યુઆંક વધી રહ્યો છે. તેવામાં આરોગ્ય વિભાગ ડેન્ગ્યુ જેવા રોગચાળાને કાબુ કરવા નક્કર પગલાંઓ લ્યે તેવી માગણી ઉઠવા પામી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અનેક લોકો સારવાર લઇ રહ્યા છે.આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં પણ ૩૩ કેસો નોંધાયા છે. અને રૂરલ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં પણ ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. જામનગર શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકાના કમિશ્નર સતિષ પટેલ અને આરોગ્ય વિભાગની ટીમોએ જુદા-જુદા વિસ્તારોમાં દોડી જઈને ખુલ્લા પાણીના ટાકાઓ અને વિવિધ શેરી મહોલ્લાઓમાં સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત ડેંગ્યુના રોગચાળાને કાબુમાં લેવા જામનગરમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મીટીંગો અને લોક જાગૃતિ માટે મીટીંગો શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો નજીક છે.તેવામાં ડેંગ્યુના આતંકથી જામનગરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે.

જામનગરમાં ડેંગ્યુના વધી રહેલા કેસોને પગલે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેઠક બોલાવી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં તાત્કાલિક ખુલ્લા પાણીના ટાકાઓ અને સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જયાં મહાનગરપાલિકાના કમિશ્નર સતિષ પટેલ અને અધિકારીઓ પણ પહોંચ્યા હતા.અને તાત્કાલિક સફાઈ અને પાણી જન્ય રોગો અટકવા જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી.(તસવીર-કિંજલ કારસરીયા,જામનગર)

(1:34 pm IST)