Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જામનગર : ઓનલાઇન વારસાઇ અરજીમાં ખેડૂતોને ખર્ચથી બચાવવા સરળ પ્રક્રિયા જરૂરી

જામનગર, તા. ૧પ : જિલ્લા તાલુકાની વિભાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન પી. ચોવટીયાએ જણાવ્યુ છે કે, દેશના વડાપ્રધાનશ્રી અને રાજયના મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નાબુદ કરવા પ્રયત્નશીલ છે. સરકારી કામો અરજદારનું મોઢુ જોયા વગર વાતચીત વગર થાય તે માટે કેટલાક કામો માટે ઓનલાઇન અરજી અમલમાં આવેલ છે.

વિજયભાઇ રૂપાણીની સુચનાથી રાજયમાં જમીનની વારસાઇ નોંધ અરજી ઓનલાઇન કરવા મહેસુલ વિભાગે તા. ૭-૩-ર૦૧૯થી ૭ પાનાનો પરિપત્ર કરેલ છે કે ૯૯ ટકા ખેડૂતો કોમ્પ્યુટર કે ઓનલાઇન અંગે કાંઇ જાણતા નથી, રાજયના ગામડાઓમાં રહી ખેતી કરનારા લાખો ખેડૂતો અભણ અથવા થોડુ ભણેલા છે.

ગામડામાં મોબાઇલ ફોન વગરના ખેડૂતો વધુ છે. ફોન છે તેમાંથી ૮૦ ટકાથી વધુ સાદા ફોન છે, અભણ ખેડૂત શહેરમાં જઇ કાગળ ઉપર વારસાઇ અરજી લખી આપવા કહે ત્યારે પીટીસન રાઇટર જણાવે છે, સરકારે કાયદો કરી નાખ્યો  એટલે હવે કાગળ ઉપર અરજી ન ચાલે ઓનલાઇન કરવી પડે. બાજુના કોમ્પ્યુટર વાળા કરી આપશે પણ ઓનલાઇનમાં ખર્ચ વધારે થશે. આમ કેટલાક લેભાગૂઓ ખેડૂતોની લાચારીનો લાભ લેવા વધુ રકમ માંગે છે.

સરકારશ્રીએ લોકહિતમાં પરિપત્રમાં એવો સુધારો કરવા ખાસ જરૂર છે કે, (૧) ઓનલાઇન અરજી થઇ શકે તે વ્યવસ્થા ચાલુ રહે., ખેડૂત ઇચ્છે તો (ર) કાગળ ઉપરની અરજી મામલતદારશ્રીની કચેરીએ (૧) રૂબરૂ કે (ર) રજીસ્ટર એડીથી અથવા કુરીયર મારફતે મોકલી શકે તેવો સુધારો કરવા જરૂત છે.

પરિપત્ર મુજબ વારસાઇ નોંધના એકજ કામમાં બે સોગંદનામા કરવા પડે છે. તેમાં બહુ સુધારાની જરૂરત છે એકજ સોગંદનામામાં બધી વિગત આવી જાય તે અસલ સોગંદનામુ તેની નકલ મરણનો દાખલો સાથે અરજી આવે ત્યારે ઇ-ધરા દ્વારા કાચી નોંધ લઇ તેની જાહેર નોટીસ જે તે ગામે લોકોની જાણ માટે પ્રસિદ્ધ કરવા મોકલવામાં આવે તે સાથે સોગંદનામાની નકલ મોકલવામાં આવે તે પરત્વે પંચોથી અને સ્વતંત્ર તપાસ થઇ અહેવાલ મોકલાઇ તેમાં સોગંદનામુ સાચુ હોય તો વારસાઇ નોંધ પ્રમાણિત થાય અને ખોટુ હોય તો નોંધ નામંજૂર થઇ ઇ-ધારા દ્વારા ફોજદારી ફરીયાદ કરવામાં આવે. આવા સુધારાથી મોઢુ જોયા વગર, ભ્રષ્ટાચાર વગર કામ થઇ શકે તેમ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેનની યાદીમાં જણાવ્યું છે.

(1:31 pm IST)