Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દ્વારકામાં આઇસરે બાઇકને ઠોકરે લેતા ૧૧ વર્ષના બાળકનું મોત

પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરને ઝડપી લેવા તપાસ આરંભી

ખંભાળિયા તા.૧પ : દ્વારકાના હોમગાર્ડ ચોક પાસેની ગોપાલ હોટલની ગોલાઇ પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા ટયુશનમાં મુકવા જતા પિતા-પુત્રીને ઇજા થવા પામી હતી. જયારે ૧૧ વર્ષિય પુત્ર આઇસરના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ  દ્વારકાના ઘોડાવાવ પાસે અલીભાઇના વાડાની સામે રહેતા ભરતભાઇ પોપટભાઇ ભારથી (ઉ.વ.૪૦)ના બાવાજી યુવાન પોતાનુ બાઇક લઇ પુત્ર-પુત્રીને સિધ્ધનાથ મંદિર પાસે આવેલા ટયુશન કલમસાં મુકવા જતા હતાં. ત્યારે ગોપાલ હોટેલ પાસેની ગોલાઇમાં સામેથી આવતા જીજેરપયુ ૩પ૧ર નંબરના આઇસર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઇકને ઠોકરે લેતા બાઇક ચાલક ભરતભાઇ તથા તેમના પુત્ર-પુત્રી ફંગોળાઇ ગયા હતા. જયારે ૧૧ વર્ષિય પુત્ર સિધ્ધાર્થ આઇસરના આગલા ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. અકસ્માત થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને તુરત દ્વારકાની હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે દ્વારકા પોલીસે ભરતભાઇ ભારથીની ફરિયાદના આધારે ઉપરોકત આઇસર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માસુમ પુત્રના મોતથી બાવાજી પરિવાર કલ્પાંત સર્જાયો છે.

(1:30 pm IST)