Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ધોરાજીમાં ડેમો ઓવરફલો છતાં છ-છ દિવસે પાણી વિતરણ

ધોરાજી તા.૧૫: ધોરાજી શહેરમાં સફાઈ અને આરોગ્ય પ્રશ્ને ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. શહેર ડેન્ગ્યુના ભરડામાં આવી ગયું છે. રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે દુષ્કાળમાં અધિક માસ હોય તેમ હવે નગરપાલિકા દ્વારા છપ્રછ દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

આગામી દિવાળીના પર્વો આવે છે ત્યારે    મહિલાઓ દ્વારા ઘરની સાફ સફાઈના કામો કરવામાં આવતા હોય છે. આવા તહેવારોના સમયમાં પાલિકા દ્વારા છ સ્ટેશન પ્લોટ, જમનાવડ રોડ, હિરપરા વાડી સહિત વિસ્તારોમાં છ દિવસે પાણી વિતરણ થતા મહિલાઓનું ઘર સાફ સફાઈ કરવાનું ટાઈમ ટેબલ ખોરંભે ચડી જતા મહિલાઓમાં પાલિકા તંત્ર પરત્વે રોષની લાગણી જોવા મળી હતી.

આ અંગે ધોરાજીના વોર્ડ ન. ૯ ના ભાજપના નગરસેવક અને પાલિકાના વિરોધપક્ષના ઉપનેતા પરેશભાઈ વાગડીયા એ પત્રકારોને જણાવેલકે ચૂંટણી સમયે ધારાસભ્યએ છ માસમાં એકાતરા પાણી વિતરણ કરવાનું જનતાને વચન આપ્યું હતું. અગાઉ ચાર દિવસે પાણી મળતું હતું જે એકાતરા થવાને બદલે છ દિવસે મળે છે. વર્તમાન કોંગ્રેસના શાસનમાં બે દિવસ ઘટાડવાને બદલે બે દિવસ ઉમેરાઈ જવાથી છ દિવસે પાણી વિતરણ થાય છે.

ગત ભાજપના શાસનકાળ દરમિયાન ધોરાજી શહેરમાં પાણીની નવી ડિસ્ટ્રિ બ્યુશન લાઇન, પમ્પ હાઉસ,ફિલ્ટર પ્લાન, કરોડોના ખર્ચે નિર્માણ કરાયું હતું. જેમાં ધોરાજી ના ચાર મુખ્ય વોટર સપ્લાય ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. માથુકિયા વાડી, કુંભારવાળા,બગીચા વિસ્તાર, અને સેન વાડી જેમાંથી સેનવાડી સેકસન તૈયાર પણ થઈ ગયું હતું.

માત્ર ધોરાજી પમ્પ હાઉસમાં એચ. ટી. પાવર કનેકશન લેવાના વાંકે વર્તમાન શાસકો એ ઘણો સમય કાઢી નાખ્યો. અગાઉના ત્રણ જનરલ બોર્ડ પહેલા નવા એચ. ટી.કનેકશન માટેના ઠરાવ પર  વિરોધપક્ષે પણ સહમતી દર્શાવી હતી.

જેની ડિપોઝીટ થઈ ગઈ પરંતુ ટ્રાન્સફર્મર ખરીદવાને વાંકે પ્રજા એકાતરા પાણી વિતરણ થી વંચિત રહે છે.

આમ ધોરાજીમાં નગરપાલિકા દ્વારા છ દિવસે પાણી વિતરણ થવાથી પ્રજાજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

(11:57 am IST)