Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પોરબંદરને ડેન્ગ્યુનો અજગર ભરડોઃ ૧ મોતઃ વધુ ૧૨ પોઝીટીવ કેસ

શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોઃ પુરતી સફાઇ અને દવા છંટકાવ નહીઃ સરકારી ખાનગી હોસ્પિટલોમાં વાઇરલ ઇન્ફેકસનની બીમારીના દર્દીઓનો ઘસારો

પોરબંદર તા.૧૫: વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ અને વાઇરલ ઇન્ફેકશનને લીધે ડેન્ગ્યુ સહિત અન્ય બીમારીના કેસ વધતા જાય છે ડેન્ગ્યુએ શહેરને અજગર ભરડો લીધો હોય તેમ ડેન્ગ્યુના કેસ વધતા જાય છે ગઇકાલે ડેન્ગ્યુથી એક વૃધ્ધનું મોત થયું છે એક ખાનગી હોસ્પિટલમાં વધુ ૧૨ પોઝીટીવ કેસ ડેન્ગ્યુના આવેલ છે ત્રણેક માસ પહેલા દોઢ માસમાં ૨૦૦ થી વધુ ડેન્ગ્યુ અસરના કેસ હોસ્પિટલમાં આવ્યાં હતા.

સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુની અસરના કેસ આવતા વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ  કે અન્ય શહેરની ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. શહેરમાં ઠેર ઠેર ભુગર્ભ ગટરની કુંડી છલકાય છે.

ગટરના લેવલીંગ વિના'ના કામને લીધે ગટરો છલકાય છે પાલિકા દ્વારા શહેરમાં નિયમિત પુરતી સફાઇ થતી નથી કેટલીકવાર ડીડીટી છંટકાવ કરાય છે પરંતુ ડીડીટીમાં મોટેભાગે ચૂનો વધુ હોવાની લોકો ફરિયાદ કરે છે.

વોર્ડ વિસ્તારોમાં પુરતો દવા છંટકાવ થતો નથી. ડેન્ગ્યુ સાથે મળેરિયા ટાઇફોઇડ વગેરે કેસ વધતા જાય છે શહેરમાં ખાડાવાળા રસ્તા અને છલકાતી ભૂગર્ભ ગટરો અને કચરાને લીધે શહેર નર્કાગાર બની ગયું છે.

(11:56 am IST)