Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગોંડલના દેરડી(કુંભાજી) તથા આસપાસના ગામોના તૂટી ગયેલા ચેકડેમો-કોઝવેના કામ શરૂ કરવા માંગણી

મુખ્યમંત્રીને રજૂઆત કરતા ગોંડલ તાલુકા ભાજપ મંત્રી ચિરાગ ગોલ

 મોવિયા, તા. ૧૫ :. ગોંડલ તાલુકાના દેરડી (કું), રાણસીકી, પાટ-ખીલોરી, રાવણા, ધરાળા, મોટી ખીલોરી તથા આસપાસના ગામોના વિસ્તારોમાં ચાલુ સાલે ભરપુર વરસાદ થયો છે. આમ છતા છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં આવેલા જીલ્લા પંચાયત હસ્તકના તથા સિંચાઈ વિભાગ હસ્તકના આવેલા ચેકડેમો તથા કોઝ વે સાવ તુટી ગયેલ છે. આ કારણે ભરપુર વરસાદ વરસેલો હોવા છતા વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થઈ શકે તેમ હતો, પણ આ વિસ્તારમાં આવેલા ચેકડેમો તથા કોઝવે તૂટી જવાના કારણે પાણી વહી ગયેલ છે અને પાણીનો સંગ્રહ થયેલ નથી. આ વિસ્તારના ગામોને પાણીની નર્મદાની કેનાલ કે મોટા ડેમ કે નદી લાગુ પડતી નથી. ફકત વરસાદના પાણીના સંગ્રહને લીધે જ પાણીનું સ્તર ઉંચુ આવી શકે તેમ છે.

આ વહી જતા પાણીને અટકાવવા અને પાણીનું સ્તર ઉંચુ લાવવા તૂટી ગયેલા ચેકડેમો અને કોઝવે સત્વરે નવા બનાવવા વારંવાર રજૂઆત કરવા છતા બનતા ના હોય, ગોંડલ તાલુકા ભાજપ મંત્રી ચિરાગભાઈ ગોલે મુખ્યમંત્રી મહોદય વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી પરિસ્થિતિથી વાકેફ કરી, જીલ્લા પંચાયત તથા સિંચાઈ વિભાગ સત્વરે આ કામ ચાલુ કરી આપે જેથી આવતા વર્ષે આ વહી જતુ પાણી અટકાવી શકાય તેવી અસરકારક રજૂઆત કરી આ વિસ્તારના લોકો પણ આ બાબતમાં સાથ સહકાર આપશે. તેવુ અંતમાં યુવા નેતા ચિરાગભાઈ ગોલ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

(10:16 am IST)