Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લીંબડી પાસે ટેન્કર-કાર અથડાતાં ધ્રોલના વિનુભાઇ ડાંગર અને વિનોદગર ગોસાઇના મોતઃ બેને ઇજાઃ ૧૦ કિ.મી. સુધી ટ્રાફિક જામ

નવો ટ્રક છોડાવી અમદાવાદથી પરત આવતી વખતે બનાવઃ ટ્રકમાં બીજા બે વ્યકિત બેઠા'તાઃ મૃત્યુ પામનાર વિનુભાઇ ડાંગર કપાસના વેપારી હતાં અને વિનોદગર ડ્રાઇવીંગ કરતા'તાઃ ઘાયલ થયેલામાં સુરેશગર ગોસાઇ સહિત બે સારવાર હેઠળઃ એકનું ઘટના સ્થળે અને બીજાનું રાજકોટમાં મૃત્યુ

ઘટના સ્થળે બૂકડો બોલી ગયેલા વાહનો, વિનોદગર ગોસાઇનો મૃતદેહ અને વાહનોની લાંબી કતારો જોઇ શકાય છે (ફોટોઃ ફારૂક ચોૈહાણ-વઢવાણ)

રાજકોટ તા. ૧૫: લીંબડીથી બગોદરા તરફ ત્રણ કિ.મી. દૂર એસ્સારના પેટ્રોલ પંપ નજીક સાંજે ટેન્કર અને એસયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક ધ્રોલના કપાસના વેપારી આહિર પ્રોૈઢ અને ડ્રાઇવીંગ કામ કરતાં બાવાજી પ્રોૈઢના મોત નિપજ્યા છે. જ્યારે સાથેના બે વ્યકિતને ઇજા થતાં સારવાર હેઠળ છે. કુલ છ લોકો ધ્રોલથી અમદાવાદ નવો લેલન્ડ ટ્રક ખરીદવા ગયા હતાં. પરત આવતી વખતે ટ્રકમાં બે વ્યકિત બેઠા હતાં અને બાકીના ચાર કારમાં હતાં. અકસ્માતને કારણે ત્રણેક કિ.મી. સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ધ્રોલ રહેતાં અને ત્યાંના યાર્ડમાં કપાસનો વેપાર કરતાં વિનુભાઇ દેસુરભાઇ ડાંગર (આહિર) (ઉ.વ.૫૦)ને નવો ટ્રક ખરીદ કરવો હોઇ તેઓ ગઇકાલે પોતાની એસયુવી કાર લઇને અમદાવાદ ગયા હતાં. સાથે તેમના મિત્ર અને ડ્રાઇવીંગ કામ કરતાં વિનોદગર ન્યાલગર ગોસાઇ (ઉ.૫૨) તેમજ સુરેશગર શાંતુગીરી ગોસાઇ  અને બીજા ત્રણ લોકો પણ હતાં. વળતી વખતે બે જણા ટ્રકમાં બેઠા હતાં અને બાકીના ચાર કારમાં હતાં. કારનું ડ્રાઇવીંગ વિનુભાઇ ડાંગર કરી રહ્યા હતાં.

લીંબડી નજીક પહોંચ્યા ત્યારે ટેન્કર સાથે અકસ્માત સર્જાતા કારનો બૂકડો થઇ ગયો હતો. જેમાં વિનોદગર ગોસાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાકીના ત્રણને ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. જેમાં વિનુભાઇ ડાંગરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અન્ય બે વ્યકિતને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.અકસ્માતમાં મૃત્યુ પામનાર વિનુભાઇ ડાંગર ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને અકે પુત્ર છે.  જ્યારે અન્ય મૃતક વિનોદગર બે ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બંનેના મૃતદેહની અંતિમવિધી તેમના વતન જોડીયાના નેસડા ગામે કરવામાં આવી છે. બનાવને પગલે ધ્રોલના આહિર પરિવારો અને બાવાજી પરિવારોમાં ગમગીની છવાઇ ગઇ છે.

વઢવાણનો અહેવાલ

વઢવાણના પ્રતિનિધી ફારૂક ચોૈહાણના કહેવા મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. રોજબરોજ આવા બનાવો બનતા રહે છે. ગત સાંજે સર્જાયેલા અકસ્માતને કારણે દસ કિ.મી. ટ્રાફિક જામ થઇ જતાં પોલીસ ધંધે લાગી હતી અને વાહન ચાલકો ભારે હેરાન થયા હતાં. ઇજાગ્રસ્તોમાં સુરેશગર અને હિરેનભાઇ રાજકોટ સારવાર હેઠળ છે. 

(12:00 pm IST)