Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કોમી એકતાના હિમાયતી સૈયદ દિલાવરબાપુ ચિશ્તી જન્નતનશીન

જનાઝામાં હિન્દૂ/મુસ્લિમ સમાજ તેમજ લાખોની સંખ્યામાં મુરીદો જોડાયાઃ સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય મહાનુભાવોએ શ્રદ્ઘાંજલિ આપીઃ અમરેલીના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા

અમરેલી તા.૧પઃ અમરેલીના પીરે તરિકત, ચિરાગે ગુજરાત, સૈયદ દિલવાર બાપુ ચિસ્તી બંદાનવાજીનું શનિવાર રાત્રીના અમદાવાદ ખાતે ઇન્તેકાલ થતા જન્નતનશીન થયા હતા સૈયદ દિલાવરબાપુ ચિસ્તી છેલ્લા એકાદ મહિનાથી સારવાર હેઠળ હતા ઇન્તેકાલ થવાના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ હિન્દૂ સમાજમાં શોક અને દુઃખ વ્યાપી જવા પામ્યું હતું.

ગુજરાત તેમજ દેશના અનેક રાજયોમાં અને વિદેશમાં દિલાવરબાપુના ચાહકોનો બહોળો વર્ગ છે, કોમના રહેબર અને હિન્દૂ મુસ્લિમ કોમના હિમાયતી એવા દિલાવરબાપુએ લાખો દુઃખીઓના દુઃખ દૂર કર્યા હતા દિલાવરબાપુએ દરેક લોકો માટે ખિદમત કરવાનો અને ઓલિયાનું જીવન જીવવાનો ધ્યેય બનાવી લીધો હતો,

દિલાવરબાપુએ પોતાની જિંદગી ગરીબોના માટે અર્પણ કરી દીધેલ હતી,લાખો નિઃસંતાન દંપતીઓને પોતાની દિવ્ય શકિત (દુઆઓથી ) સંતાન સુખ આપવેલ હતું, લાખો લોકોના દુઃખ દર્દ સમસ્યાઓને દૂર કરી છુટકારો(શિફા)આપેલ હતી,સમાજમાં દારૂ, ચરસ, ગાંજો, જુગાર, જેવી બદીઓ દૂર કરી લોકોને સન્માર્ગે વાળેલ હતા તેમજ દેશપ્રેમ અને ભાઈચારાની અનોખી જયોત ઘરે ઘરે જલાવેલ હતી

દિલાવરબાપુના તેમના મુરીદો (અનુયાયીઓ) મુંબઈ, વાપી, રાજકોટ, ભાવનગર, સેલવાસ, બીલખા, બાબરા, દામનગર, અમદવાદ સહિતના શહેરોમાંથી દફનવિધિમાં જોડાયા હતા, જનાજાની નમાજ રવિવારે બપોરે ૩:૦૦ વાગ્યે જુમ્મા મસ્જિદ ખાતે પઢવામાં આવી હતી, અને સાંજે ૫:૩૦ વાગ્યે દફનવિધિ કરવામાં આવી હતી.

દફનવિધિમાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો અને સામાજિક સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

સૌરાષ્ટ્ર સહીત ગુજરાત ભરમાંથી  પીરે તરિકતો,મશાઈખો,આલીમો,સાદાતો સામેલ થયેલ હતા, અમરેલીના હિન્દૂ મુસ્લિમ વેપારીઓને દિલાવર બાપુની ઇન્તેકાલ થયાની ખબર પડતા ધંધા રોજગાર બંધ રાખેલ હતા.

જસદણ વિંછીયા પંથકમાં શોકની કાલિમાઃ

જસદણ, તા.૧પઃ અમરેલીના પીરે તરીકત સૈયદ દિલાવરહુશેન બાપુનો રવીવારે ઇન્તેકાલ થતાં જસદણ વિંછીયા તાલુકાના મુસ્લિમ સમાજમાં શોકની કાલિમાં છવાઇ હતી. આ સમાચાર મોડી રાત્રિના આ પંથકમાં વાયુવેગે પ્રસરતાં તેમને માનનારા વર્ગના હ્રદય ભીંજાય ગયા હતાં. આજીવન દિન દુઃખીયાના પ્રસ્વેદ અને આંસુ લુંછનારા અને અલ્લાહની બંદગીમાં લીન રહેનારા દિલાવર હુશેનબાપુની અંતિમ ક્રિયામાં જસદણ, વિંછીયા, ભાડલા, આટકોટ અને વિરનગર જેવા ગામોમાંથી રવીવારે બહોળી સંખ્યામાં લોકો ગયા હતા અને હ્રદય ભીંજવી અંજલી અર્પી હતી.(૨૩.૬)

(12:16 pm IST)