Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમરેલીમાં ગટર પાઇપ લાઇનના કામના કારણે રસ્તાઓ ખોદી નાખતા હાલાકી : વિરજીભાઇ ઠુંમર

લાઠી-બાબરા તાલુકામાં ૧૫.૦૮ કરોડના રસ્તાના કામ મંજૂર

અમરેલી તા.૧૫ : લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અમરેલી કલેકટરશ્રીને પત્ર પાઠવીને અમરેલીના રસ્તાનો પ્રશ્ન ફરિયાદ સંકલન સમિતિમાં લઇને તાત્કાલીક નિવેડો લાવવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, અમરેલીમાં ગટર પાઇપલાઇન નાખવાના કારણે મોટા ભાગના મેઇન રસ્તાઓ ખોદી નાખેલ છે. શહેરીજનો વાહનચાલકો ભારે અગવડતા અનુભવી રહ્યા છે.જાહેર જીવનના વ્યકિત તરીકે અમે પણ પરેશાન છીએ.

શહેરમાંથી બહાર જવા માટે ટાવર રોડથી સ્ટેશન રોડ તરફ જતા મોટાભાગના રસ્તા તોડી નાખેલ છે. ટુ વ્હીલર, રીક્ષાઓના અકસ્માત થાય છે. શાકભાજી લેવા કે રોજીંદી ખરીદી કરવા માટે મહિલાઓ પરેશાની અનુભવી રહ્યા છે. આડેધડ પાર્કિંગના કારણે પણ મુશ્કેલી ઉભી થઇ છે તે અંગે તંત્ર કઇ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ ? અને કેટલા સમયમાં કરવામાં આવશે. તેવા પ્રશ્નો વિરજીભાઇ ઠુંમરે ઉઠાવ્યા છે.

આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજય સરકારમાં રજૂઆત કરતા રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણા માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ નર્મદા કલ્પસર, પાટનગર યોજનાના મંત્રી નિતીભાઇ પટેલ દ્વારા અમરેલી જીલ્લાના બાબરા લાઠી તાલુકાના રૂ.૧૫.૦૮ કરોડના વિવિધ રસ્તાના કામ મંજુર કર્યા છે.

જેમાં બાબરા તાલુકાના હિરાણા રોડ, ત્રંબોડા ઇશાપર, ભીલડી, અડતાળા, ખીજડીયા (જં) શીરવાણીયા, જામબરવાળા રોડ તથા લાઠી તાલુકાના પીપળીયા દેરડી, કાંચડીઢસા, પાડરશીંગા, એપ્રોચ, હરીપર, ઇંગોરાળા રોડને મંજૂર કર્યા છે.

આ ઉપરાંત બાબરા તાલુકાના વાંડળીયા, લુણકી, બળેલ પીપળીયા ધરાઇ, ચમારડી, ગરણી, ગુંદાળા, ગળકોટડી, ખાખરીયા, ઘુઘરાળા, મીયા ખીજડીયા રોડ મંજુર કરેલ છે.

(11:41 am IST)