Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કૂવામાં ખાબકી ગયેલ સિંહને બચાવવામાં તંત્ર અંતે સફળ

ધારીના દેવળા ગામમાં બનેલા બનાવથી સનસનાટી :કૂવામાંથી બહાર કાઢયા બાદ વનવિભાગના અધિકારીઓ દ્વારા તપાસ-સારવાર બાદ ફરીથી જંગલમાં છોડી દેવાયો

        અમદાવાદ, તા.૧૪ :  જૂનાગઢ જિલ્લાના ધારીના દેવળા ગામે આજે રવિવારે વહેલી સવારે ૩૦ ફૂટ ઉંડા કૂવામાં એક સિંહ ખાબક્યો હતો. આ અંગેની જાણ ગામલોકોને થતા દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ પાંજરા સાથે આવી પહોંચ્યું હતું. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહને બહાર કાઢયો હતો. સિંહને સહીસલામત બહાર કાઢી વનવિભાગના અધિકારીઓએ તેને યોગ્ય સારવાર આપ્યા બાદ ફરી જંગલમાં મુકત કર્યો હતો. સિંહને સમયસર બચાવી લેવાતાં સ્થાનિક લોકોએ પણ રાહતનો દમ લીધો હતો.ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ગીર પંથકમાં દલખાણિયા અને જસાધાર રેન્જમાં ૨૩ સિંહોના મોત બાદ સિંહોની સુરક્ષા અને જતનને લઇ ભારે ચિંતા અને ડરનો માહોલ ફેલાયેલો છે. સિંહોને કંઇક થયાના સમાચાર વહેતા થયાની વાત સાંભળતાય ખુદ વનવિભાગના અધિકારીઓની સાથે સાથે સ્થાનિક લોકો પણ ફફડી જાય છે. તેથી સિંહોના રક્ષણને લઇ અત્યારે તો સૌકોઇ ચિંતિત છે ત્યારે આજે વહેલી સવારે ધારી પંથકના દેવળા ગામે એક ખુલ્લા ૩૦ ફુટ ઉંડા કૂવામાં એક સિંહ અનાયાસે ખાબકયો હતો અને નીચે કણસતો ત્રાડ નાંખતો હતો ત્યારે તેનો અવાજ સાંભળીને સ્થાનિક ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા તો, સિંહને કૂવામાં પડેલો જોયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક જ આ ઘટના અંગે વનવિભાગને જાણ કરતાં વનવિભાગના અધિકારીઓ અને સ્ટાફનો કાફલો પાંજરા સાથે તાત્કાલિક કૂવાના ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સિંહને રેસ્કયુ કરવાની કપરી કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આખરે સિંહને ૩૦ ફુટ ઉંડા કૂવામાંથી સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સિંહ પાંજરે પૂરાતા જ ગામલોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ સિંહ આશરે ૩ વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વનવિભાગના અધિકારીઓએ તાત્કાલિક તેની તપાસ અને સારવાર કરી ફરીથી તેને જંગલમાં છોડી દેવાયો હતો. જેથી સૌકોઇએ રાહત અને ખુશીની લાગણી અનુભવી હતી અને સિંહ બચાવ્યાનો ગૌરવ અનુભવ કર્યો હતો.

(9:39 pm IST)