Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામનગરની જીવાદોરી સમાન સાસોઈ ડેમ ઓવરફ્લો: પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા ટળી: ખેડૂતોમાં ખુશી

સાસોઈ ડેમ દોઢ ફૂટ જેટલો ઓવરફ્લો થયો: ડેમ થકી 35 ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

 જામનગરમાં ભારે વરસાદને કારણે નદી, નાળા, તળાવો, ચેકડેમો, ડેમો વગેરે જળાશયો છલકાયા છે. તે પૈકી જામનગરની જીવાદોરી સમાન સાસોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે સાસોઇ ડેમ પણ છલકાયો છે. સાસોઈ ડેમ દોઢ ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે. ડેમ છલકાવાથી નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા. સાસોઈ ડેમમાં વિપુલ જળરાશિ ભરાતા હવે પીવાના પાણીની ચિંતા લગભગ ટળી ગઈ છે. આ ડેમ થકી 35 ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જેના કારણે રાજયના વિવિધ જિલ્લાઓની જીવાદોરી સમાન અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.જામનગરના મોટાભાગના જળાશયો ભર્યા છે જેને કારણે ભૂગર્ભ જળસપાટી પણ વધી છે, જેથી હવે ખેડૂતોના સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ નથી રહ્યો. રવિપાકને પણ પિયત માટે પૂરતું પાણી મળી રહેશે. સાસોઈ ડેમ છલકાઈ જતા ખેડૂતો સહિત લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે.

(7:41 pm IST)