Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વરસાદગ્રસ્તો સહાયથી વંચિત નહી રહે : ભૂપેન્દ્રભાઇ પટેલની જામનગરમાં ખાત્રી

ભારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી : નુકસાનીની વિગતો

જામનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પદગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ જામનગર આવી પહોંચ્યા હતા અને ધુવાવ ખાતે તેમજ મહાપ્રભુજી બેઠક વિસ્તારની મુલાકાત લઇ વિસ્તારના અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી હતી. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)(૨૧.૨૪)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૫ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસર પામેલા જામનગરના ધુંવાવ ગામ, જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર તેમજ લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો સંવેદનાપૂર્વક  પ્રત્યક્ષ  સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અસરગ્રસ્તોને રાજય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, જન પ્રતિનિધિઓ જનતાની પડખે ઊભા છે. કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પદગ્રહણ પછી તત્કાલ જ પુરની સ્થિતીમાં સંકટમાં ઘેરાયેલા જામનગર જિલ્લાની મુલાકાત લઇ તમામ મદદ કરવા માટે તત્પરતા દર્શાવી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી  અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી નુકસાની અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે.સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરી ની વિગતો આપતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે જામનગર જિલ્લાના ૪૪૭ ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે.સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નુકસાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે.હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.

આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવા માર્ગદર્શીત કરતા મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે જિલ્લામાં કુલ ૪,૭૬૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.૧૪૪ લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્કયુ કરી બચાવવામાં આવ્યા છે.૪૬ ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે.સૌરાષ્ટ્રમાં મોસમનો ૮૦% વરસાદ પડી ચુકયો છે. જિલ્લાના ૮૪ ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં ૧૦૦% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે. મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીની સાથે શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશી ચનીયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:39 pm IST)