Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઘેડ પંથકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૨૮૫ લોકોને સલામત સ્થળે ખસેડાયા : NDRFની ટુકડી આવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : જિલ્લાના ઘેડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટુકડી આવેલ અને ૧૨૮૫ લોકોને સલામત સ્થળે ખસેડાયેલ છે.

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર સતત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ-એન.ડી.આર.એફના સતત સંપર્કમાં રહીને પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી રહેલ છે.

રાજકોટ -જૂનાગઢ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ભાદર ઓજત સહિતની નદીઓમાં પૂર આવતા પોરબંદરના ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પૂરઝડપે કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના પોરબંદર કુતિયાણા તાલુકાના ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં પાણીમાં ફસાયેલા અને સંપર્ક વિહોણા થઈ ગયેલા. ગઇકાલે ૧૨ લોકોને સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

 પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તારમાં ૧૨૮૫ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ગરેજ ગામે શેલ્ટર હાઉસમાં પણ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે જયાં તંત્ર દ્વારા અનૂસંગિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

કુતિયાણા તાલુકામાં ૩૦૬ પોરબંદર તાલુકામાં ૬૧૭ રાણાવાવ તાલુકામાં ૩૬૨ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

પોરબંદરના કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ડિઝાસ્ટર તંત્ર સ્ટેટ કંટ્રોલ રૂમના સંપર્કમાં છે. એનડીઆરએફના સંકલનમાં છે. આગામી એક બે દિવસની વરસાદની આગાહી અને ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા પાણીના અંગે દેખરેખ રાખી  લોકોને સાવચેત પણ કરવામાં આવી રહ્યા છે.

(1:30 pm IST)