Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વંથલી અને સાંતલપુરના વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૦ વ્યકિતને રેસ્કયુ કરાયાઃ

જૂનાગઢ : જૂનાગઢ તા.૧૪ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી જિલ્લાની ઓઝત,ઉબેણ સહિત નાની મોટી નદીઓમાં ભારે પુર આવ્યા છે. આ પુરના લીધે વંથલી અને સાંતલપુરના સીમ વિસ્તારમાં રહી ખેતી કરતા ૧૦ લોકો પાણીમાં ફસાયા હતા. આ ફસાયેલા લોકોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવા જરૂરી હતા. મામલતદાર વંથલી કે.કે.પડીયાને ફસાયેલા લોકો અંગે ટેલીફોનીક સંદેશો મળતા તેમના દ્વારા તુરંત કાર્યવાહી કરી NDRF ની ટીમ સાથે વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. વંથલીમાં ભારે વરસાદ સંદર્ભે તહેનાત NDRF ટીમના ૧૪ સભ્યો ઇન્સ્પેકટર રણજીત પટેલના માર્ગદર્શન હેઠળ બચાવ કાર્ય શરૂ કર્યુ હતું. મામલતદાર કચેરી અને NDRF ની ટીમ દ્વારા વંથલીના વાડી વિસ્તારમાં ફસાયેલા ૨ પુરૂષ,૨ સ્ત્રી તેમજ સાંતલપુરના વાડી વિસ્તારમાં ફસાયેલા ૪ બાળકો અને ૨ મોટા વ્યકિત એમ કુલ ૧૦ વ્યકિતને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આ તમામ લોકોએ વહિવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(1:20 pm IST)