Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કુંવરજીભાઇએ જસદણ તાલુકાની ર જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીની જવાબદારી સંગઠન ઉપર ઢોળી

સી.આર. પાટીલ સહિતનાને પત્ર પાઠવ્યોઃ મંત્રી મંડળમાંથી બાદબાકી થતી હોવાથી નારાજગી હોવાની ચર્ચા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧પઃ જસદણ તાલુકાની ખાલી પડેલ બે જીલ્લા પંચાયતની ચુંટણી આગામી દિવસોમાં છે ત્યારે બંને સીટની જવાબદારી ભાજપે કુંવરજીભાઇ બાવળીયાને સોંપી હતી પરંતુ તાજેતરમાં રાજયમાં નેતૃત્વ પરીવર્તનને લીધે કુંવરજીભાઇ સતત ગાંધીનગર હોય તેમણે પાર્ટીને પત્ર લખી આ બેઠકોમાં ઉમેદવારની પસંદગી સંગઠન ઉપર રાખવા પાર્ટીમાં લેખીત જાણ કરી છે.

કુંવરજીભાઇ બાવળીયાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રભારી મહેન્દ્રસિંહ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇને પત્ર દ્વારા જાણ કરી છે કે હાલમાંજ થયેલા નેતૃત્વ પરિવર્તનને લીધે ગત તા. ૧૧ના સાંજથી પક્ષની સુચનાને લીધે હું ગાંધીનગર જ છું જેથી જસદણ તાલુકાની શિવરાજપુર અને સાણથલી જીલ્લા પંચાયતનાં ઉમેદવારની પસંદગી બાબતે યોગ્ય લઇ શકું તેમ નથી જેથી જીલ્લા અને તાલુકા કક્ષાના સંગઠનનાં હોદેદારોને સાથે રાખી ઉમેદવારોની પસંદગી સહીતની ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ સંગઠન મારફત કરાવવા જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે જસદણ તાલુકાની જીલ્લા પંચાયતની બે બેઠકોની આગામી દિવસોમાં ચુંટણી યોજાવાની હોય આ બંને બેઠકોની ઉમેદવારની પસંદગીથી લઇ તમામ જવાબદારી જસદણનાં ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને સોંપવામાં આવી હતી. ગઇકાલે આ બંને સીટના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી પરંતુ કુંવરજીભાઇ હાલ સતત ગાંધીનગર હોય આ પત્ર લખ્યાનું તેમણે જણાવ્યું હતું.

સંભવિત મંત્રી મંડળમાંથી બાદબાકી થતી હોવાનું જાણવા મળ્યું હોય નારાજગી દર્શાવ્યાનું ચર્ચાય રહ્યું છે. 

(11:50 am IST)