Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામનગરના ધ્રોલમાં જાહેર રસ્તાના વિવાદ અંગે થયેલ દાવો નામંજૂર

જામનગર,તા. ૧૪ : ધ્રોલના આગેવાન ખેડૂત કલ્પેશભાઇ કિરીટભાઇ પટેલે મહાલક્ષ્મી કો.-ઓ.હાઉસીંગ સોસાયટીના પ્રમુખ છગનભાઇ મોહનભાઇ સંતોકી તથા ધ્રોલ નગરપાલીકા સામે જામનગરના સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાવો કરેલો જેને કોર્ટે રદ કર્યો હતો.

આ દાવામાં કલ્પેશભાઇ કિરીટભાઇ પટેલે માંગણી કરેલ રે.સ.નં.૧૩ બિનખેતી થયેલ અને તેના પ્લોટ નં. ૧૭ના માલીક તરીકે બાંધકામ ધ્રોલ મ્યુનીસીપાલીટીની રજાચિઠ્ઠી મેળવી કરી રહ્યા છે અને આ પ્લોટની દક્ષિણ તરફે જાહેર રસ્તો છે. અને આ જાહેર રસ્તામાં મહાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટીના પ્રમુખ છગનભાઇ મોહનભાઇ સંતોકી અવરોધ કરે છે તેથી અદાલતમાં દાવો લાવી માંગણી કરેલ કે મહાલક્ષ્મી કો.ઓ.હાઉસીંગ સોસાયટીના પ્રમુખ કે હોદેદાર કે મુખત્યાર જાહેર રસ્તામાં હરકત-અડચણ કે અટકાયત કરે નહીં તેવા મનાઇ હુકમની માંગણી કરેલ.

આ દાવામાં મહાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટીએ રજુઆત કરેલ કે રસ્તો છે તે જાહેર રસ્તો નથી તથા માત્ર મહાલક્ષ્મીના પ્લોટ ધારકોના ઉપભોગના છે અને દાવો કરનાર કલ્પેશ કીરીટભાઇ પટેલની માલીકીના પ્લોટ નં. ૧૭ ના લે -આઉટ પ્લાનમાં ઉતર તરફે માર્ગ આપવામાં આવેલ છે જેથી વાદી કીરટભાઇ સુખાદીધકારના કાયદા તળે હક માંગવા હકદાર નથી. જામનગર એ.સીનીયર સીવીલ જજ સમક્ષ રજુ થયેલ દસ્તાવેજો તથા જુદા જુદા સાહેદોની જુબાની થયેલ અને આ બાદ વકીલોની લંબાણ પૂર્વક દલીલો થયેલી અને એડી. સીનીયર સીવીલ જજ સાહેબે પ્રતિવાદી મહાલક્ષ્મી હાઉસીંય સોસાયટી સામેના મનાઇ હુકમની દાદ માંગતી દાદ નામંજૂર કરી દાવો રદ કરેલ છે.

આ દાવામાં મહાલક્ષ્મી હાઉસીંગ સોસાયટીના પ્રમુખ છગનભાઇ મોહનભાઇ સંતોકીના એડવોકેટ એસ.કે.રાચ્છ રોકાયા હતા.

(11:47 am IST)