Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કચ્છમાં કોરોનાનો હાહાકાર જારી : એકિટવ કેસ ૩૦૦ની નજીકઃ વધુ ૨ મોત,નવા ૩૩ કેસ

ભુજની મામલતદાર ઓફિસમાં જ ગાઇડલાઇનનો ભંગઃ કચ્છમાં આરોગ્ય કમિશનરનો પડાવ, હોસ્પિટલોની સમીક્ષા સાથે હેલ્પ ડેસ્ક શરૂ કરવા તાકીદ, બિન સત્તાવાર મોતનો આંક ૯૩, કુલ દર્દીઓ ૧૬૩૭

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૫: અનલોક પછીની છુટછાટો સાથે કચ્છમાં કોરોનાએ સપાટો બોલાવ્યો છે. સતત મોતનો આંક અને પોઝિટિવ દર્દીઓ વધી રહ્યા છે. તે વચ્ચે દીવા તળે અંધારુ હોય તેમ ભુજની મામલતદાર ઓફિસમાં જ કોરોના ગાઇડલાઇનનો છેદ ઉડી રહ્યો છે. જોકે, કચ્છમાં નવા કેસ પણ ભુજ અને ગાંધીધામના શહેરી વિસ્તારમાંથી વધુ આવી રહ્યા છે.

કોરોનાએ કચ્છમાં વધુ બે માનવ જિંદગીઓનો ભોગ લેતાં સરકારી ચોપડે મોતનો આંક ૫૪ થયો છે. જયારે આ જ સરકારી આંકડાઓ જોઈએ તો અત્યારે સારવાર હેઠળના ૨૯૮ કેસ અને સાજા થયેલા દર્દીઓ ૧૨૪૬ બંનેનો કુલ સરવાળો ૧૫૪૪ થાય છે. જે કુલ દર્દીઓ ૧૬૩૭ માથી બાદ કરીએ તો ૯૩ દર્દીઓની ઘટ આવે છે. આમ, બિન સત્ત્।ાવાર મોતનો આંકડો કચ્છમાં ૯૩ થાય છે.

કચ્છમાં કોરોનાના વધતા હાહાકાર વચ્ચે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ ધામા નાખ્યા છે. ત્રણ દિવસ થયા સતત મિટિંગો અને રૂબરૂ રિવ્યુ પછી આરોગ્ય કમિશનરે દરેક કોવિડ હોસ્પિટલમા હેલ્પ ડેસ્ક શરુ કરવા, ખાનગી હોસ્પિટલને સારવારની મંજુરી આપવા તંત્રને સૂચના આપી છે.

(12:35 pm IST)