Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જેતપુરમાં ૨૬ મંદિર ચોરીમાં પકડાયેલ ધર્મેશ મકવાણા દિવસે રેકી કરી રાત્રે ચોરી કરતો'તો

ચોરીમાં તેના કૌટુંબીક સગીર ભાઇની પણ મદદ લેતો'તોઃ પકડાયેલ ધર્મેશને રિમાન્ડ પર લેવા તજવીજઃ તાલુકા પીએસઆઇ હકુમતસિંહ જાડેજા તથા ટીમને સફળતા

તસ્વીરમાં પકડાયેલ તસ્કર સાથે ડીવાયએસપી જે.એમ.ભરવાડ, પીએસઆઇ એચ.આર.જાડેજા તથા તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા)

જેતપુર, તા., ૧પઃ  જેતપુર શહેર અને તાલુકામાં ર૬ જેટલા મંદિરોમાં ચોરી કરનાર તસ્કર ધર્મેશ મકવાણાને તાલુકા પોલીસે ઝડપી લીધા બાદ તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.  આ રીઢો તસ્કર દિવસે મંદિરમાં રેકી કરી રાત્રે ચોરી કરતો હોવાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકામાં શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ચોરીઓના બનાવો વધતા રૂરલ એસપી બલરામ મીણાએ આ તસ્કરોને ઝડપી લેવાની સુચના આપતા જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકાના પીએસઆઇ હકુમતસિંહ જાડેજા તથા ટીમે તસ્કરોને ઝડપી લેવા વોચ ગોઠવી હતી.  દરમિયાન જુનાગઢ જીલ્લાના એક મંદિરમાં બે તસ્કરોના સીસીટીવી ફુટેજ હાથ લાગતા અને તેના જેવા જ દેખાતા બે તસ્કરો દેવકી ગાલોળ ગામની ચોરીના બનાવ બાદ સીસીટીવી ફુટેજમાં દેખાતા આ ફુટેજ મેળવી આ તસ્કર બેલડી જે બાઇક પર ગઇ હતી. તેના નંબર મેળવી તપાસ કરતા આ તસ્કર ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી મકવાણા (રહે. આરબટીંબડી) હોવાનું ખુલતા તેને અને તેના કૌંટુબીક સગીર ભાઇને તાલુકા પોલીસે દબોચી લીધો હતો.  પોલીસ પુછતાછમાં મુખ્ય આરોપી ધર્મેશ મકવાણાએ જેતપુર શહેર, તાલુકા, જુનાગઢ જીલ્લા તથા ગોંડલ તાલુકાના થઇ કુલ ર૬ મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આ બંન્ને પાસેથી ૧પ૭ ચાંદીના છતર, જુદા જુદા ર૪ આભુષણો, સોનાના ૯ દાગીના સહિત ૧.૭૬ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. આ તસ્કર બેલડી અગાઉ જેતપુરમાં મોબાઇલ ચોરીમાં પકડાઇ હતી. મોબાઇલ ચોરી બાદ મંદિરોમાં ચોરી કરી તરખાટ મચાવ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ધર્મેશ મકવાણા દિવસના બાઇક પર મંદિરોની રેકી કરતો હતો. રેકી કરતી વેળાએ બાઇક ઝાળીમાં મુકી દેતો હતો અને રાત્રે આ જ મંદિરમાં ચોરી કરવા ત્રાટકતો હતો. પકડાયેલ ધર્મેશને રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજુ કરાશે.

(3:52 pm IST)