Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

તરણેતર લોકમેળાએ ગ્રામીણ લોકસંસ્કૃતિ ધબકતી રાખી છે : કુંવરજીભાઇ

ચેમ્પીયન ઓફ ધી શો ''કાંકરેજ ગાયમા'' કચ્છનાં હમીરભાઇ ગાગલ : જાફરાબાદ ભેંસ સ્પર્ધામાં ભાણવડના રામભાઇ ગોરણીયા સહિતના વિજેતા : જગવિખ્યાત લોકમેળાનું સમાપન

વાંકાનેર : વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં (ઋષીપંચમી) ના દિવસે તરણેતર મંદિરે સ્નાન અનેદર્શન કરવા માનવ મહેરામણ ઉમટયું હતું આજે તરણેતરનો મેળો સોળેકળાએ ખીલ્યો હતો જેમાં રાસ-ગરબા-છત્રી હરિફાઇ, પાવા, વેશભુષા અને અન્ય હરિફાઇઓ યોજાય હતી. રંગબેરંગી વસ્ત્રોમાં આવેલ ગ્રામ્ય લોકો અને તરણેતર મેળાનું પ્રતિક આભલા, રૂમાલ અને ભરત ભરેલ છત્રીઓ નયનરમ્ય લાગતી હતી અને ફઝતફાળકાને મોતના કુવાની મોજ લોકોએ માણી હતી. તરણેતરનો મેળો પ્રેમીજન્નો મેળો બની ગયો હતો. આનંદ, મોજથી મેળાને માણ્યો હતો. મેળામાં છેલ્લા ૧૫ વર્ષથી ઝાલાવાડના ઉંડવી ગામના નરશીભાઇ મનજીભાઇ સારદીયાએ જોડીયા પાવા વગાડી મંત્રમૃગ્ધ કરી દિધા હતા. (તસ્વીરઃ ભાટી એન. વાંકાનેર, ફઝલ ચોૈહાણ વઢવાણ)

વઢવાણ, તા. ૧પ : તરણેતરના લોકમેળાએ આપણી ગ્રામીણ લોકસંસ્કૃતિને ધબકતી રાખી છે. તેમ જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ તરણેતર લોકમેળા મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે કુદરતી સંસ્કૃતિનો સાચો રંગ જોવો હોય તો તરણેતર લોકમેળાની મુલાકાત લેવી જોઇએ. ભારતીય લોકસંસ્કૃતિ અને સંસ્કારના સાચા દર્શન આ લોકમેળામાં થાય છે.

મંત્રીશ્રીએ રાજયમાં પશુપાલન વ્યવસાયનો વિકાસ થાય અને પશુપાલકો પગભર બને તે માટે રાજય સરકાર કટીબધ્ધ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે તરણેતરના લોકમેળામાં પશુપ્રદર્શન તથા પશુ હરિફાઇનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર પશુપાલકોને રાજય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જેથી પશુપાલકોમાં ઉત્સાહ વધે અને પશુપાલન પ્રવૃતિને વધારે વેગ મળે.

ગ્રામ્ય ઓલમ્પિકસની શરૂઆત પણ તત્કાલિન મુખ્યમંત્રીશ્રીએ ૨૦૦૪ થી તરણતેર ખાતેથી જ કરી હતી અને ગુજરાતના યુવાનોએ અનોખી ઓળખ અપાવી છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓમાં વિશિષ્ટ શકિતઓ પડેલી હોય છે તેને ગ્રામિણ ઓલમ્પિકસના માધ્યમથી બહાર લાવવા માટેનો રાજય સરકારનો પ્રયાસ રહેલો છે. ગ્રામિણ ઓલમ્પિકસના માધ્યમ થકી ગુજરાતના ખેલાડીઓ એશીયાડ ગેમ સુધી પહોંચી ગોલ્ડ મેડલસઙ્ગ મેળવતા થયા છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ તરણેતરના ભાતીગળ લોકમેળામાં યોજાયેલ ગ્રામીણ ઓલમ્પિકની મુલાકાત લીધી હતી. કુસ્તીની ફાઇનલ સ્પર્ધાના ખેલાડીઓને હસ્તધુનન કરાવી શરૂ કરાવી હતી અને આ સ્પર્ધા નિહાળી હતી. મંત્રીશ્રીના હસ્તે વિવિધ રમતોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં.

મંત્રીશ્રીએ મેળા ખાતે પશુપાલન વિભાગ દ્વારા યોજાયેલા પશુ પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને ગૌ પૂજા કરી હતી. પશુ પ્રદર્શનમાં ભાગ લીધેલ પશુઓનું પણ મંત્રીશ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ હતું. ચેમ્પીયન ઓફ ધી શો કાંકરેજ ગાય માં આવનાર કચ્છના ઢારી ગામના શ્રી હમીરભાઇ ભગુભાઇ ગાગલને રૂ.૫૧ હજાર, જાફરાબાદી ભેંસ વર્ગમાં પ્રથમ આવનાર ભાણવડ તાલુકાના ભાણવડના શ્રી રામ કેશુભાઇ ગોરણીયાને રૂ.૨૫ હજાર, જાફરાબાદી નર પાડો વર્ગમાં બરવાળા તાલુકાના સાળંગપુર ગામના શ્રી રમેશભાઇ તલવીને રૂ.૨૫ હજાર, જાફરાબાદી ખડેલી વર્ગમાં દ્યોદ્યાતાલુકાના વાળુકળ ગામના શ્રી ભરત ખોડીફાડને રૂ.૨૫ હજાર, ગીર ગાય વર્ગમાં મુળી તાલુકાના રામપરડા ગામના શ્રી અલકુભાઇ બોરીચાને રૂ.૨૫ હજાર, ગીર વોડકી વર્ગમાં બરવાળા તાલુકાના સાળંગપુર ગામની બી.એ.પી.એસ. સંસ્થાને રૂ.૨૫ હજાર અને ગીર સાંઢ વર્ગમાં જામનગર તાલુકાના અલીયાબાડા ગામના શ્રી આશિષભાઇ મકવાણાને રૂ.૨૫ હજારનું રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતાં.ઙ્ગ

સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલે કરી તરણેતરના લોકમેળાની ભાતીગળ સંસ્કૃતિ એ વિશ્વ વિખ્યાત છે તેમ જણાવી આ મેળો દેશ અને વિદેશમાં ખ્યાતિ મેળવેલ હોવાનું જણાવ્યું હતું. આભારવિધિ શ્રી હામાભાઇ બલ્યાએ કરી હતી.

આ પ્રસંગે સાંસદ સર્વશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય સર્વશ્રી ઋત્વિકભાઇ મકવાણા, ધનજીભાઇ પટેલ, પશુપાલન નિયામકશ્રી એ.જે. કાછીયાપટેલ, કલેકટરશ્રી કે. રાજેશ, પોલીસ અધિક્ષકશ્રી મનિંદરસિંહ પવાર, પ્રાંત અધિકારીશ્રી વી.કે. પટેલ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, શંકરભાઇ વેગડ, વિજયભાઇ ભગત, સુરેશભાઇ ધરજીયા, શૈલેષભાઇ ઉપાધ્યાયરામકુભાઇ ખાચર, સરપંચશ્રી વનિતાબેન ખમાણી, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં.

આજે તરણેતરનાં મેળાનું સમાપન થયું હતંુ. (૯.૩)

(12:36 pm IST)