Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કાગદડી પાસે દૂધની ગાડી અને ટ્રક અથડાયાઃ પેડક રોડના આહિર યુવાન કલ્પેશ સબાડનું મોત

ટાટા-૭૦૯માં દૂધના કેન ભરી મોરબી પહોંચડવા જતી વેળાએ મોડી રાત્રે બનાવઃ સબાડ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: મોડી રાત્રે કુવાડવા તાબેના કાગદડી પાસે દૂધની ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દૂધના વાહનના ચાલક પેડક રોડ પર યોગીરાજનગર નાલંદા સ્કૂલ સામે રહેતાં કલ્પેશભાઇ મનુભાઇ સબાડ (ઉ.૩૦) નામના આહિર યુવાનનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જાણવા મળ્યા મુજબ રાત્રીના એકાદ વાગ્યા આસપાસ કાગદડી પાસે દૂધના કેન ભરેલુ ટાટા-૭૦૯ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં દૂધના વાહનના ચાલક કલ્પેશભાઇ સબાડને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર કલ્પેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે દૂધનો ધંધો કરવા ઉપરાંત અમુલની એજન્સી પણ ધરાવતો હતો. રાત્રે મોરબી પોતાના ટાટા ૭૦૯માં દૂધના કેન પહોંચાડવા જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં કાળ કાગદડી પાસે કાળ ભેટી ગયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી સબાડ પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કુવાડવાના પીએસઆઇ પી. સી. મોલીયા અને અંશુમનભાઇ ગઢવીએ મૃતકના  ભાઇ હિતેષભાઇ મનુભાઇ સબાડ (ઉ.૨૭-રહે.રામેશ્વરનગર, સંત કબીર રોડ)ની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે૪એકસ-૮૧૩૩ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

(12:34 pm IST)