Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જૂનાગઢના ગોલાધારમાં યુવાનનાં વ્યાજખોરાના ત્રાસથી આપઘાતના બનાવમાં તપાસનો ધમધમાટ

મૃતકને નોટબંધીમાં કેશોદમાં કેશોદના તબીબે રૂપિયા બદલવા આપ્યા હતા

જુનાગઢ, તા.૧૪: જુનાગઢના ગોલાધર ગામનાં ભરતભાઇ મુળજીભાઇ પાઘડનાર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કરેલ આપઘાતના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગોલાધરના ભરત પાઘડારને બે વર્ષ અગાઉ નોટબંધી વખતે કેશોદના મહિલા તબીબ મધુબેન બારડે રૂ.૩૦ લાખ જુના-નવા કરવા આપ્યા હતા. બાદમાં આ રકમ તેણે ગોલાધરના ઇબ્રાહીમ કુરેશી અને રાજુ સાવલીયાને આપેલ પરંતુ આ રકમ બે વર્ષ સુધી આ શખ્સોએ પરત નહીં આપતા ભરતભાઇએ કેશોદના મધુબેનને નાણા ચુકવવા માટે નિલેશ ખાંભલા, સંદીત ખાંભલા, મયુરસિંહ દરબાર, અને ભુપતસિંહ દરબાર પાસેથી નાણા વ્યાજે લીધા હતા. આ નાણા વ્યાજખોરોને ચુકવી ન શકતા પઠાણી ઉઘરાણી ચાલુ કરી ફોન ઉપર ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી હતી.

આથી ભરતભાઇએ જેને પહેલા રકમ આપી હતી. તે ઇબ્રાહીમ કુરેશી અને રાજુ સાવલીયા પાસેથી નાણા કઢાવવા જૂનાગઢના બાલા મોરી અને રૂડા મોરીને કહેલ આથી આ શખ્સોએ ઉઘરાણી કરી તેની પાસે નાણા રાખી લઇ ભરતભાઇને આપ્યા ન હતા.

બીજા તરફ ભરતભાઇ ઉપર કેશોદના મધુબેન અને ધોરાજીના પરેશ ઠેસીયાએ પઠાણી ઉધરાણી શરૂ કરીને ધમકી આપી હતી. જેથી ભરતભાઇએ પોતાની વાડીએ ઝેરી ટીકડા ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે મૃતકના પત્ની પિંજલબેન પાઘડારે તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા તબીબ સહિત ૧૦ શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની સ્યુસાઇટ નોટના આધારે તાલુકા ધીએસઆઇ પી.બી. લકકડે તપાસ શરૂ કરી નિવેદના લેવાની તજવીજ હાથ ધરી છે.

(3:43 pm IST)