Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

હળવદની ૬પ આંગણવાડીમાં બાળકોને કયારે મળશે શુધ્ધ પાણી?? તાલુકાની ૩૦ આંગણવાડીમાં આરઓ પ્લાન્ટ ધુળ ખાય છે

હળવદ, તા.૧૪: તાલુકા ના ગ્રામ્ય અને શહેરમાં આવેલ ૧૩પ આંગણવાડીમાં ૧૦૭૪પ થી વધુ બાળકોની સંખ્યા નોંધાયેલી છે. ત્યારે આંગણવાડીમાં આવતા નાના ભુલકાઓને પોષ્ટીક આહાર આપવામાં આવતો હોય છે જેની સાથે પાણીની પણ એટલી જ જરૂરીયાત રહેતી હોય છે પરંતુ ૧૩પ કાર્યરત આંગણવાડીમાં માત્ર ૧૦૦ આંગણવાડીમાં આરઓ પ્લાન્ટ મુકવામાં આવ્યા છે તેમાં પણ ૩૦થી વધુ આરઓ પ્લાન્ટમાં પાણીની ટાંકી અને ઈલેકટ્રીકટ મોટર ન હોવાથી હાલ ધુળખાઈ રહ્યા છે. જયારે ૩પ આંગણવાડીઓને તાલુકામાં સરકારી જગ્યાના અભાવે ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે ત્યારે તંત્ર ગંભીરતા લેશે કે શું? તેવા અનેક સવાલો ઉઠયા છે.

રાજય સરકાર દ્વારા નાના ભુલકાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને શિશુ વિકાસના ઉમદા હેતુસર આંગણવાડીઓ ગામડે ગામડે તેમજ શહેરમાં કાર્યરત કરવામાં આવી છે. ત્યારે હળવદ શહેરમાં ૧૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૬ મળી કુલ ૧૩પ આંગણવાડી હળવદમાં કાર્યરત છે ત્યારે ૧૩પમાંથી ૩પ આંગણવાડીઓ ભાડાના મકાનમાં કામચલાઉ ધોરણે કાર્યરત છે.

રાજય સરકાર દ્વારા કુપોષણ નાબુદી પર અભિયાનો ચલાવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા સહિત શહેરની આંગણવાડીઓમાં બાળકોને પોષ્ટીક આહાર તો આપવામાં આવી રહ્યું છે પરંતુ  આંગણવાડીમાં શુધ્ધ પાણીની સગવડ નહીવત હોવાથી બાળકોના આરોગ્ય પર જોખમ મંડરાઈ રહ્યું હોવાનો વાલીઓમાં સૂર ઉઠવા પામ્યો છે.

આ અંગે હળવદ બાળ વિકાસ યોજના અધિકારી મમતાબેન રાવલને પુછતા તેઓએ જણાવેલ કે, ૩પ આંગણવાડીઓ માટે આરઓ પ્લાન્ટ મુકવામાં આવે તેમજ જે ૩૦ જેટલી આંગણવાડીમાં પાણીની ટાંકી અને ઈલેકટ્રીકટ મોટરના કારણે આરઓ પ્લાન્ટ બંધ છે તેની રજુઆત વડી કચેરીએ કરવામાં આવી છે.(૨૩.૨)

(12:34 pm IST)