Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ડુંગર દરબારમાં એક સાથે ૧૨૫૦૦થી વધુ ભાવિકોએ પ્રતિક્રમણ કરીને પાપવિશુદ્ધિ કરીઃ મિચ્છામિ દુક્કડંનો નાદ પ્રગટ્યો

રાજકોટઃ રાજકોટના ડુંગર દરબારના આંગણે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી જૈનમગ્રુપ આયોજિત સંવત્સરી સમૂહ પ્રતિક્રમણની આરાધનામાં ૧૨૫૦૦થી વધુ ભાવિકો જોડાતા જૈન સમાજમાં ઐતિહાસિક ક્ષણને શ્રાવક શ્રાવિકાઓએ અનુભવી હતી. એક સાથે ૧૧,૦૦૦ ભાવિકો પ્રતિક્રમણ કરે એવી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ભાવનાનો સ્વીકાર કરી રાજકોટના ખુણે ખુણેથી જૈન શ્રાવકો સાંજે ૫ વાગ્યાથી ડુંગર દરબારમાં આવવા લાગતા, એક તકે તો વ્યવસ્થા જાળવવી અઘરી થયેલ. પરંતુ રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા થતાં જ ૧૨૫૦૦ થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ નતમસ્તકે બે હાથ જોડીને તે પ્રેરણાને શાંતિપૂર્વક ઝીલીને ભાવપૂર્વક પ્રતિક્રમણની આરાધનામાં જોડાતા સહુના મુખેથી અહો જિનશાસનમનો નાદ ગુંજી ઉઠેલ. રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે આખાય વરસના પાપને ધોવાની ધન્ય પળ પ્રતિક્રમણ હોય છે. પ્રતિક્રમણની આરાધના કરનારને આવતા ભવે જિનશાસનમાં જન્મે મળે છે. પ્રતિક્રમણમાં જોડાયેલ શ્રાવકવર્ય સજેલભાઈ કોઠારીએ જણાવેલ કે આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોને પ્રતિક્રમણ કરાવતાં મારી આત્મા આજે અત્યંત ધન્યતા અનુભવે છે. અંતમાં સર્વએ એકબીજાનેે ક્ષમાપના કરતાં અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયેલ.(૩૦.૪)

(12:12 pm IST)