Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નદીના પૂરમાં અલગ-અલગ સ્થળે પાંચ વ્યકિત તણાયાઃ બે વ્યકિતઓના મૃતદેહ મળ્યા

પાણીના પ્રવાહમાં લાપતા થયેલાઓની શોધખોળ શરૂ કરવામાં આવી તે તસ્વીર.

ખંભાળીયા, તા.૧પ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર નદીઓમાં પૂરને કારણે ચાર સ્થળે પાણીમાં વાહનો તણાવાના બનાવો બન્યા હતા. જેમાં કુલ પાંચ વ્યકિતઓ તણાયા હતાં. જેમાં બેના મૃતદેહ મળ્યા હતાં અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે.

ગઇકાલે સાંજે ખંભાળીયા તાલુકાના લાલુકા લાલપરડા વચ્ચે એક બાઇક સવાર યુવાન કોઝવેમાંથી બાઇક લઇને નીકળવા જતાં તે તણાઇ જતાં તેનો મૃતદેહ જ સાંપડયો  હતો.

ખંભાળીયા તાલુકાના કોઠાવિસોત્રી એક આહીર પરિવારના ભાઇ-બહેન બાઇક લઇને વાડીએ કામ માટે ગયેલા જયાંથી પરત ફરતા રસ્તામાં પાણીમાં બાઇક બંધ થઇ જતાં ર૦ વર્ષની યુવતી બાઇકને ધક્કા લગાવતા ઉપરવાસના પાણીની છેલ આવતા પાણીમાં પડી જતાં ગૂમ થઇ ગઇ હતી.

ગઇકાલે રાત્રીના ખંભાળીયા આવેલ ફાયર ટીમના સુખદેવસિંહ, મહેન્દ્ર ચોપડાની ટીમે શોધખોળ શરૂ કરી હતી. દ્વારકાની બોટ મંગાવીને શોધખોળ શરૂ કરાઇ હતી, પણ હજુ પત્તો લાગ્યો નથી.

ગઇકાલે સાંજે કલ્યાણપુર તાલુકાના  માલેના તથા હડમતીયા ગામની પાસે નદીના વહેણમાં નીકળવા જતાં ત્રણ યુવાનો તણાઇ ગયા હતાં જેમાં  એકનો મૃતદેહ મળ્યો હતો જયારે બાકીનાની શોધખોળ ચાલુ છે.

(1:48 pm IST)