Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વાંકાનેરમાં ધ્વજવંદન : પત્રકારોનું સન્માન નહીં થતા રોષ : ૧૦૦ લોકોની હાજરી

વાંકાનેર : તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી એન.એફ. વસાવાના હસ્તે ધ્વજ વંદનને સલામી અપાઇ હતી. આ પ્રસંગે મામલતદાર આર.આર. પાદરીયા, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, પી.આઇ. રાઠોડ તથા મહિલા પીએસઆઇ સહિત એકસો લોકોની હાજરીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોવિડ-૧૯ના કર્મચારીઓ જેવા કે, રેવન્યુ તથા તાલુકા પંચાયતના અને સરકારી હોસ્પિટલના ડોકટરો સહિત અનેક કોરોના વોરિયર્સનું શાલ ઓઢાડી સન્માન કરાયેલ. બાદમાં વિનુભાઇ રાતડીયા કે જે કોરોના મુકત થતા તેઓને પણ સન્માનિત કરાયા હતા. જયારે વિવિધ રાજકીય પક્ષો, અન્ય આગેવાનોના સન્માન થયા બાદ મીડીયા કર્મી-પત્રકારને સન્માનિત ન કરતા પત્રકાર સંઘ દ્વારા રોષ વ્યકત કરાયેલ. વૃક્ષારોપણના કાર્યક્રમ વેળાએ સીનીયર પત્રકારોએ ચાલતી પકડી હતી. આ પ્રસંગને અનુરૂપ પ્રાંત અધિકારીએ લોકોને કોરોનાથી બચવા અને તંદુરસ્તી માટે માસ્ક પહેરવા સામાજિક અંતર જાળવવા તથા એકબીજાથી સંપર્કમાં સાવચેતીનો આગ્રહ વ્યકત કરી, રાજય સરકારની વિવિધ યોજના જેવી કે આત્મનિર્ભર લોન, વધુ બાળાઓને શિક્ષણ અને કોલેજ સમયે એક લાખની રાજય સરકારની યોજનાનો લાભ લેવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મામલતદાર હર્ષદ પરમાર, જયારે કાર્યક્રમનું આયોજન કરનારા બી.એસ. પટેલનું પણ સન્માન કરવામાં આવેલ અને કર્મચારીગણમાં પણ ચું-ચા શરૂ થયેલ. (તસ્વીર અને અહેવાલ : મહમદભાઇ રાઠોડ-વાંકાનેર )

(12:29 pm IST)