Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કચ્છમાં કોરોનાનો હાહાકાર જારી- ૨૨ નવા કેસ અને વધુ ૩ મોતની ચર્ચા વચ્ચે તંત્રનું મૌન

કુલ કેસ ૮૫૭, કોલેજના પ્રિન્સિપલ કોરોનાગ્રસ્ત થતાં પરિક્ષાર્થી છાત્રોમાં ફફડાટ :નલિયા, આદિપુર અને ગાંધીધામના દર્દીના મોતની ચર્ચા

ભુજ: કચ્છમાં કોરોનાના કાતિલ પંજા વચ્ચે ફરી એકવાર આકડાની લુકાછુપી ચર્ચાનું કેન્દ્ર બની છે. કોરોનાએ કચ્છમાં વધુ ૩ માનવ જિંદગીનો ભોગ લીધો હોવાની ચર્ચા છે. મૃત્યુ પામનાર દર્દીઓ નલિયા, આદિપુર અને ગાંધીધામના હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દરરોજની જેમ ફરી એકવાર કચ્છના વહીવટીતંત્રએ કોરોનાના પોઝિટિવ દર્દીઓના આંકડા મોડે મોડે જાહેર કર્યા હતા. તેમાંયે ત્રણ મોત થયા હોવાની ચર્ચા વચ્ચે તંત્રએ કોઈ પણ પ્રકારની માહિતી છેક રાત્રે ૧૧ વાગ્યા સુધી જાહેર કરી નથી. ત્રણ પૈકીના બે દર્દીઓ આદિપુર અને નલિયાના દર્દીઓના મોત તો મોડી રાત્રે નિપજ્યા હોવા છતાંયે તે વિશે માહિતી અપાઈ નથી. ગાંધીધામના પણ એક દર્દીનું મોત આજે સારવાર દરમ્યાન થયું હોવા છતાંયે તે વિશે પણ કોઈ માહિતી અપાઈ નથી.  

દરમ્યાન આજે નવા ૨૨ કેસમાં  હોટસ્પોટ એવા અંજારમાં ૭, ગાંધીધામમાં ૪, ભુજમાં  ૩ તે ઉપરાંત માંડવીમાં ૪ કેસ, નલિયામાં ૨, મુન્દ્રા ૧ અને રાપરમાં ૧ કેસ નોંધાયા છે. ભુજની લાલન કોલેજના આચાર્ય છત્રપાલસિંહ ઝાલા (ઉ.૪૫)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરમ્યાન હમણાં જ કોલેજની પરીક્ષાઓ પુરી થઈ છે, ત્યારે કોરોનાગ્રસ્ત પ્રિન્સિપલના સમાચારથી અન્ય પ્રોફેસરો તેમ જ છાત્રાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.  અત્યાર સુધીના આંકડાઓમાં એક્ટિવ  કેસ ૨૨૩, સાજા થયેલા દર્દીઓ ૫૯૪ અને કુલ દર્દીઓની સંખ્યા ૫૯૪ થયા છે.

(11:20 pm IST)