Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

જામનગર જીલ્લા પંચાયતનો વહીવટ કથળ્યોઃ ગામડાના મંજુર થયેલ કામો રદઃ અનેક વિકાસ કામો અધ્ધરતાલ

ગ્રાન્ટ અને સ્ટાફની અછતના કારણે સ્થિતિ સર્જાયાનો બચાવઃ કોંગ્રેસ શાસિત હોવાથી ઓરમાયા વર્તનનો આક્ષેપ

         જામનગરઃ જામનગર જીલ્લા પંચાયતનો વહીવટ કથળી રહ્યો છે. ગામડાઓમાં સિંચાઇના મંજુર થયેલા કામો રદ કરવાના થશે. જીલ્લા પંચાયતનો બચાવ છે કે ગ્રાન્ટ અને સ્ટાફના અભાવે આ સ્થિતિ સર્જાઇ છે નહી તો ત્રણ ત્રણ વર્ષ સુધી કામ કેમ ન થાય ?

         જામનગર જીલ્લાના ૬ તાલુકામાં જીલ્લા પંચાયત દ્વારા તળાવ, ચેકડેમ, રીપેરીંગ સહીતના કામ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી જીલ્લામાં અપૂરતા વરસાદ વચ્ચે જીલ્લા પંચાયત દ્રારા સિંચાઇના કામને સૈદ્ધાંતિક મંજુરી આપવા છતાં તળાવ અને ચેકડેમના કામ અધ્ધરતાલ હોવાથી પાણીનો સંગ્રહ ન થઇ શકતા ગ્રામજનો  ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જીલ્લા પંચાયતના ચેાપડે બાકી બોલી રહેલા સિંચાઇના કામના આંકડા ખરેખર ચોંકાવનારા છે. જીલ્લા પંચાયતે  સૈદ્ધાતિંક મંજુરી આપેલા સિંચાઇના કામો પૈકી વર્ષ ર૦૧પ-૧૬ ના રૃ. ૯૪૬૦૦૦૦ ના ૧૮ કામ, વર્ષ ર૦૧૬-૧૭ ના રૃ. ૩૦૮૧૦૦૦૦ ના ૪૭ કામ, વર્ષ ર૦૧૭-૧૮ ના રૃ. ર૮૦પ૯૦૦૦ ના ૩૮ કામો હજુ અધ્ધરતાલ છે.

         જામનગર જિલ્લા પંચાયતે વર્ષ ર૦૧૭-૧૮ માં મંજુર કર્યા બાદ શરૃ ન થયેલા કામ રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં આણદા, ભાદરા રોડ, આણદા કુન્નડ  રોડ, લીમ્બુડા રોડ, બુટાવદર સીંગચીરોડા  મોટીમારડ કલ્યાણપુર શેઠવડાળા રોડ, ધુતારપર ખારાવેઢા પીઠળીયા ગામોના કામનો સમાવેશ થાય છે.

         જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જયારે રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. ત્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી સતાની સાઠમારીમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી અને સરકાર ગ્રાન્ટ પુરતી આપતી નથી અને અમુક વિભાગને જુજ ગ્રાન્ટ અપાય છે તે અલગ હિત સાચવવા અપાય છે તેવી ચર્ચા લોકોમંા ચાલી રહી છે. જેના અનેક ઉદાહરણો માં એક જોઇએ તો સિંચાઇમા ૪૭ સામે ૮ નો જ સ્ટાફ છે. ત્યારે છેવાડાના માનવી સુધીનો  અને ગામડાનો વિકાસ ટલ્લે ચડયો છે. છતાય બણગા તો મોટા ફુંકાય છે કે સમાનતા ના ધોરણે ભેદભાવ વગર વિકાસ કાર્યો માટે નાણા ફાળવાય છે.

(10:50 pm IST)