Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કચ્છના રાપરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા: પરિવારજનોએ પ્રેમીની હત્યા કરતાં પ્રેમિકાએ ટૂંપો ખાઈ જીવ દીધો

પાંચ સંતાનોના પિતા એવા પરિણીત પ્રેમી સાથે ના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ યુવાન હત્યા કરી, પ્રેમીના વિરહમાં યુવતીએ જીવ દીધો

ભુજ : કચ્છના રાપર તાલુકાના લાકડાવાંઢ ગામે પ્રેમપ્રકરણમાં થયેલી હત્યાએ અને પ્રેમીની હત્યા પછી યુવતીએ કરેલી આત્મહત્યાના બનાવે ચકચાર જગાવી છે. બાબુ મેઘા કોળી અને સીતા ધર્મા કોળી વચ્ચે ચાલતા આ પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો હતો. પાંચ સંતાનોના પિતા બાબુ સાથે પ્રણયના ફાગ ખેલતી દીકરી સીતા અંગે જાણ થતાં જ સીતાના પરિવારજનો આવેશમાં આવી ગયા હતા. દરમ્યાન આ મામલે સમાધાન થયું હતું અને બન્ને પ્રેમીઓ નહીં મળે એવી વાત થઈ હતી. એ વચ્ચે આજે બપોરે એકાએક યુવતીના પિતા ધર્મા કરસન કોળી તેમ જ ભાઈઓ સતીષ, ગોકળ, શિવો તેમ જ હરેશ ભૂરા કોળી એમ પાંચે જણા બાબુ ઉપર ધારીયા, કુહાડી અને ધોકા વડે તૂટી પડ્યા હતા અને બાબુની કરપીણ હત્યા કરી નાખી હતી. પ્રેમીને પોતાના પરિવારજનોએ મારી નાખ્યો છે, એવી જાણ થતાં જ યુવતી સીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે બાલાસર પીએસઆઇ બી.જે. પરમાર અને પોલીસ સ્ટાફ તેમ જ રાપર મામલતદાર એચ.જી. પ્રજાપતિ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને ફરાર થયેલા હત્યારાઓને ઝડપવાની કામગીરી હાથ ધરી છે.

(7:08 pm IST)