Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમરેલી જિલ્લા પંચાયતના કરોડોના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

પંચાયતના રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશની પ્રેરક ઉપસ્થિતિ

અમરેલી તા. ૧૫ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પંચાયતના રાજય કક્ષાના મંત્રી જયદ્રથસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ગઇકાલે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.

આ તકે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજયના છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજના પહોંચાડવા સરકાર કટિબદ્ઘ છે. ગામડામાં ગામડાની સરકાર અને જિલ્લા પંચાયત એટલે ગામનું સચિવાલય કે જયાં સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ થાય છે. આમ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ત્રિસ્તરીય માળખું છેવાડાના માનવી સુધી બધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મદદરૂપ થાય છે. શિક્ષણ, સિંચાઈ, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, ખેતીવાડી વગેરે જેવી સેવાઓ માટે પંચાયતી રાજ દ્વારા ઉત્તમ કાર્ય થઇ રહ્યું છે. ગુજરાતમાં પંચાયતી રાજ અને સહકારી સંસ્થાઓમાં નાગરિકોને પંચાયતો દ્વારા ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

વધુમાં એમણે ઉમેર્યું હતું કે, આજે પંચાયતોના નવા મકાનોનું નવું વાતાવરણ અધિકારીઓ અને કર્મચારીઓમાં નવી ઉર્જા બની વધુ માં વધુ લોકસેવાના કર્યો કરવા પ્રેરણા આપશે.

ડો. જીવરાજ મહેતાને યાદ કરતા એમને જણાવ્યું હતું કે અમારૃં સદભાગ્ય છે કે ગુજરાત રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. અને એમણે પોતાનું જીવન લોકસમર્પિત કર્યું હતું. આજે એમના જ શહેરમાં જિલ્લા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ થઇ રહ્યું છે એ અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસમાં તેમજ જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે ખુબ જ ફળદાયી નીવડશે એવી શુભેછાઓ પણ પાઠવી હતી.

પંચાયતના રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે એમણે સમગ્ર રાજયની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના નવા મકાનોના નિર્માણ માટે ચિંતા કરી છે. પંચાયતની મહેસુલ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સહકાર, સિંચાઈ, બાંધકામ, સમાજ કલ્યાણ જેવી વિવિધ શાખાની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પંચાયતના આ નવા મકાનો ખુબ જ મદદરૂપ નીવડશે. પંચાયતના અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓને નવું વાતાવરણ મળી રહે તેમજ નાગરિકો માટે આ નવા ભવનો પ્રગતિ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નર એમ. જે. ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય જે. વી. કાકડિયા,  જિલ્લા પંચાયતના પ્રમુખ  રવજીભાઈ વાઘેલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, અમરેલીના અગ્રણી હિરેનભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા અને કમલેશભાઈ કાનાણી સહિતના જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(

(1:21 pm IST)