Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ચાવંડ ખાતે ફરી ચેક પોસ્ટ શરૂ

અમરેલી જીલ્લામાં બહારથી પ્રવેશનારાઓની મેડીકલ તપાસ થવી જોઈએ તેવી ડો. કાનાબારની મુહિમ સફળ

અમરેલી,તા.૧૫ : અમરેલીમાં માત્ર છેલ્લા ર દિવસમાં જ કોરોનાના ૫૦ નવા દર્દી પોઝીટીવ આવ્યાં છે. અમરેલી જીલ્લામાં કોરોનાના દર્દીનો કુલ આંકડો ૧૭૮ પર પહોંચ્યો છે. (તા.૧૩/૭ સુધી) પોઝીટીવ કેસોમાંથી ૯૦ ટકાથી પણ વધુ કેસોમાં ટ્રાવેલ હીસ્ટ્રી છે, મતલબ કે તેઓ યા તો સુરત, અમદાવાદ કે મુંબઈથી આવ્યાં છે યા તો બહારથી આવેલ કોઈ વ્યકિતના સંપર્કમાં આવ્યાં છે. જયારે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૦૦૦ સુધી પહોંચી હતી ત્યાં સુધી જયાં કોરોનાનો એકપણ કેસ ન હતો તે અમરેલી જીલ્લામાં કોરોનાના સંક્રમણના સંદર્ભમાં સ્ફોટક સ્થિતિ છે.

અમરેલીમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા, અમરેલી જીલ્લામાં જે લોકો બહારથી પ્રવેશે છે તેનું જીલ્લાની બોર્ડર પર જ મેડીકલ ચેકઅપ થાય તો નવા કેસો વધતાં અટકી શકે. લોકડાઉનના પ્રારંભથી જ, આ પ્રકારની મેડીકલ તપાસના આગ્રહ સાથે ઝુંબેશ ચલાવી રહેલ એકલવીર ડો. કાનાબારની માંગણીમાં પરિસ્થિતિની ગંભીરતા સમજી જીલ્લાના બીજા આગેવાનો પણ જોડાયા છે. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લાઠી-બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય  અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી,  ઠાકરશીભાઈ મેતલીયાએ પણ આ રજુઆતમાં પોતાનો સૂર પરાવ્યો છે.

ડો. કાનાબારે સરકારમાં પણ આ માટે ખુબજ રજુઆતો કરી છે અને તેના પરિણામે તેમની આ મુહિમ સફળ થઈ છે. રાજય સરકારની સૂચનાથી તા. ૧૫ જુલાઈથી ચાવંડ ખાતે ચેકપોસ્ટ શરૂ કરાશે. અમરેલી જીલ્લામાં પ્રવેશતી એસ.ટી. બસો અને પ્રાયવેટ બસોને ચાવંડથી પ્રવેશવાની સુચનાઓ તંત્ર દ્વારા અપાય ચુકી છે.

આ ઉપરાંત, આવનાર વ્યકિતઓમાં લક્ષણો જણાય તો તેના નિદાન માટે સ્થળ ઉપર જ રેપીડ એન્ટીજન કીટથી વ્યકિતમાં કોરોનાનું સંક્રમણ છે કે નહિં તે જાણી શકાય છે. ડો. કાનાબારે અમરેલી જીલ્લાને આ પ્રકારની ૫૦૦૦ કીટ ફાળવવા માટે રજુઆત કરી હતી. સરકાર દ્વારા ર૦૦૦ કીટો અમરેલીને ફાળવવામાં આવી છે જે ૨-૩ દિવસમાં અમરેલી આવી જશે. આવનાર વ્યકિતઓની અમરેલી જીલ્લાની બોર્ડર પર તપાસ થાય તેના ઘણા બધા ફાયદાઓ છે.

(1:18 pm IST)