Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જુનાગઢ, જામકા અને ખંભાળીયામાં જૂગાર દરોડાઃ પાંચ મહિલા સહિત ૧૬ શખ્સો ઝબ્બે

રોકડ અને વાહનો સહિત રૂ. બે લાખથી વધુનો મુદામાલ કબ્જે

જૂનાગઢ તા. ૧પ :.. જુનાગઢ, જામકા અને ખંભાળીયામાં પોલીસે જૂગાર અંગે દરોડા પાડીને પાંચ મહિલા સહિત ૧૬ શખ્સોને રૂ. બે લાખથી વધુનાં મુદામાલ સાથે પકડી પાડતા જૂગારી આલમાં હલચલ મચી ગઇ હતી.

જુનાગઢ બી ડીવીઝનના પોલીસ જમાદાર પી. બી. હુણે જોશીપરા વિસ્તારમાં દરોડો પાડીને પાંચ મહિલા સહિત છ જણાને રૂ. ૪૩૮૦ સાથે જુગાર રમતા પકડી પાડયા હતાં.

તેમજ જુનાગઢ ક્રાઇમ બ્રાંચના ડી. કે. કરમટા સહિતનાં સ્ટાફે જુનાગઢના જામકા ગામનાં હિતેશ વિઠ્ઠલના રહેણાંક મકાને જુગાર દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે હિતેશ તેમજ ઇકબાલ અલી મુલતાની, ભાવિન નાગજી સીદપરા, ભુપત રૂડા ભીમાણી, અશ્વિન બાવાા ભડેલીયા, ભાવેશ પરસોમત ડાભી, થોભણ ઓઘડ ઝાપડા તેમજ નાથા હરિલાલ સીદપરાને રૂ. ૩૦૭૧૦ ની રોકડા સાથે જૂગાર રમતા પકડી પાડયા હતાં.

પોલીસે આ જુગારીઓ પાસેથી રોકડ તેમજ બાઇક સહિત કુલ રૂ. ૭૬૯પ૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત સાયબર ક્રાઇમ સેલના રોહિત વાળા સહિતના સ્ટાફે ભેસાણનાં ખંભાળીયાની સીમમાં સુરેશ બાવાભાઇ હરખાણીની વાડીનાં મકાનમાં ચાલતુ જૂગારધામ પોલીસે પકડી પાડયુ હતું.

અહીંથી પોલીસે સુરેશ બાવા તેમજ મનસુખ નાથા કોરાટ, ચંદુ પુનાભાઇ કયાડા, રજાક સુલેમાન, ગોવિંદ વજુભાઇ સતાસીયા, હરેશ જાનાદાસ, વિજય ગોગનભાઇ રૂપાપરા સહિતના શખ્સોને રૂ. પ૭૧ર૦ ની રોકડ સાથે જૂગાર રમતા પકડી પાડયા હતાં.

પોલીસે આ શખ્સો પાસેથી રોકડ ઉપરાંત પાંચ મોટર સાયકલ તેમજ સાત મોબાઇલ સહિત કુલ રૂ. ૧૧,૧૮,૪ર૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:08 pm IST)