Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ધોરાજી જેતપુર રોડની સમસ્યા પ્રશ્ને આગેવાનો દ્વારા નવતર કાર્યક્રમ

લોકરોષ તંત્ર સુધી પહોંચાડવા પૂ.ગાંધીજીના ત્રણ વાનરોની મુદ્રા રોડ પર ધારણ કરી

ધોરાજીઃ ધોરાજી શહેરનો સતત ટ્રાફિકથી ધમધમતો જેતપુર રોડ હવે મગરમચ્છની પીઠ સમાન બની ગયો છે. ત્યારે આ રોડ સત્વરે રીપેર કરવા ભાજપ દ્વારા માગણી કરાઈ હતી. ત્યારબાદ માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી ન થતા અંતે કોંગ્રેસ શાસિત નગરપાલિકા એ રસ્તો રીપેર કરવા પ્રામાણિક પ્રયાસ કર્યો હતો.

તેમ છતાં લોકોની હાલાકીમાં કશો ફરક પડ્યો નથી. અને વાહન ચાલકો કે રાહદારીઓ માટે આ નબળો રોડ કાયમી માથાના દુખાવારૂપ બની રહેતા ધોરાજીના રાજકીય સામાજિક અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરા, માજી સૈનિક ગંભીરસિંહ વાળા, અને વોર્ડ નં.ચારના નગરસેવક દિનેશભાઇ વોરાએ ગાંધીજીના ત્રણ વાનરોની મુદ્રામાં જેતપુર રોડ પર દેખાવો કરી જેતપુર રોડ તાકીદે રીપેર થાય તે માટે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

આ કાર્યક્રમ કોઈને નડતર થયા વિના સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરાયો હતો.લોકોનો રોષ અને માગણી તંત્ર સુધી પોહચાડવા કાર્યક્રમ કરાયો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

ધોરાજીના સરદાર ચોકથી નાગરિક બેંક અને ગેલેકસી ચોકથી જુના ઉપલેટા રોડ તેમજ જમનાવાડ રેલવે ક્રોસીંગ અને નાગરિક બેંકથી જૂનાગઢ રોડ રેલવે ક્રોસીંગ સુધીનો રોડ નવો બનાવેલ છે અને તેની ગેરંટીમાં ટૂંક સમય હોય જેથી આ રોડ પર પડેલ ખાડાઓમાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમાય તે પૂર્વે આ ખાડાઓ બુરી રોડ રીપેરીંગ કરવા માંગ ઉઠી છે.

આ અંગે ધોરાજીના સ્થાનીક રહીશો એ જણાવ્યું હતું કે ધોરાજી માં રોડ ડામરનો હોય તે રોડ ડામરથી રીપેરીંગ કરવો અને જે રોડ સિમેન્ટનો હોય તો રોડ સિમેન્ટથી રીપેરીંગ કરવા રજૂઆત કરેલ છે.

આ રસ્તા પર પડેલ ખાડાઓમાં અકસ્માતે કોઇ નિર્દોષ નાગરિકો જીવ જશે તો તમામ જવાબદારીઓ તંત્રની રહેશે આ અંગે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ હોવાનુ જણાવ્યું હતું.

(11:43 am IST)