Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પ્રભાસ પાટણના અતિ પછાત વિસ્તારના પીવાના પાણી શૌચાલય તથા ગટર પ્રશ્ને રજૂઆત

પ્રભાસ પાટણ તા. ૧પ :.. સોમનાથમાં હાઇવે રોડની બાજુમાં અનુ. જાતિની અતિ પછાત હાડી સમાજની સોસાયટી આવેલ છે. જયાં ત્યાનાં લોકો અનેક યાતનાઓ ભોગવી રહેલ છે અને નગરપાલીકા દ્વારા આ પછાત પ્રત્યે ભેદભાવ ભર્યુ વર્તન કરવામાં આવે છે.

આ સોસાયટીમાં કોઇ જાતની શૌચાલયની વ્યવસ્થા નથી જેથી બેન - દિકરીઓને ખુલ્લામાં સોચ માટે જવું પડે છે. નગરપાલીકા દ્વારા ડોર-ટુ ડોર વાહન દ્વારા કચરો લેવામાં આવે છે અને આ વિસ્તાર પણ નગરપાલીકાનાં વિસ્તારમાં આવતો હોવા છતાં કચરો લેવા કોઇ આવતું નથી.

જેનાં કારણે વાસમાં કચરા અને ગંદકીનાં ઢગલા જોવા મળે છે. તેમજ ધોરીયાની સફાઇ કરવામાં આવતી નથી અને ધોરીયા માંથી ગંદા પાણીનો નિકાલ થતો નથી જેથી આ દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને રોગચાળામાં પણ વધારો થયેલ છે.

આ વિસ્તારમાં પીવાના પાણી માટે માત્ર એક નળ આવેલ છે અને તે પણ જર્જરીત હાલતમાં છે જેથી ઘણી જગ્યાએ લીકેજ જેથી પુરતું પાણી મળતું નથી અમુક જગ્યાએ નળની ઉપર ગટર છે જેથી ગટરનું પાણી નળમાં ભળી જાય છે જેથી પાણી પીવા લાયક રહેતું નથી.

આવી મહામારીમાં પણ આ લોકો અનેક યાતનાઓ ભોગવી રહેલ છે. છતાં આ વિસ્તારની કોઇ મુલાકાત લેતું નથી આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હાડી વાસનાં અગ્રણી પરમાર કાનાભાઇ સાજણભાઇ દ્વારા નગરપાલીકા ચીફ ઓફીસર, જીલ્લા કલેકટર, ડે. કલેકટર, કિશોરભાઇ કુહાડા, જયેશભાઇ રાદડીયા સહિતને લેખિતમાં રજૂઆત કરેલ છે. અને આ ગરીબ-પછાત વિસ્તારની મુલાકાત લઇ અને સમસ્યાનાં નિરાકરણ માટે માગણી કરેલ છે.

(11:32 am IST)