Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ તૈયારીઓનો પ્રારંભ

વિશ્વ કોરોના મહામારી અંગે સંપૂર્ણ સાદાઇ અને કેટલાક સાવચેતી નિયમો સાથે આ વરસે સંપૂર્ણ સાદાઇથી ઉજવાશે ભગવાન ભોલેનાથનો શ્રાવણ માસ

પ્રભાસ પાટણ,તા.૧૫: વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિંલિગ પ્રથમ શિવભકતો માટેનો પ્રિય -ભકિત પ્રધાન પવિત્ર શ્રાવણ માસની તૈયારીઓનો પ્રારંભ થઇ ચુકયો છે. નવા વરસથી અમદાવાદથી ખાસ સોમનાથ મંદિર અને તેના હસ્તકના મંદિરોમાં શ્રાવણ માસ પૂર્વે સ્વચ્છતા -સફાઇ કરવા આવતુ અમદાવાદનું બાપા સિતારામ મંડળ ચાલુ વરસે કોરોના મહામારી હોવાને કારણે સોમનાથ અગ્રણી હરીશ સોનીએ જણાવ્યું કે, વરસોથી તે તથા તેના મંડળના સભ્યો ગુજરાતના મંદિરોમાં સફાઇ સેવા અપવા દર મહિને જાય છે. તે કાર્યક્રમો ડીસેમ્બર સુધી રદ કર્યા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે, વિશ્વ-રાજ્ય -દેશ કોરોના મહામારી ગ્રસ્ત હોવાને કારણે સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ થતી પવિત્ર શ્રાવણ માસની વિશેષ ઉજવણી નહીં થાય અને સાદાઇ સાથો-સાથ કોરોના અંગેના સોશ્યલ ડીસ્ટન્સ -સેનેટરાઇઝેશન -ટાઇમ નિયમન-માસ્ક પહેરવાનો નિયંત્રણ સાથે પવિત્ર શ્રાવણ માસની પરંપરા શ્રધ્ધારૂપ સોમનાથ મંદિર ખાતે આયોજન થશે. જેમાં વિશેષ કરીને સરકારી ગાઇડ લાઇનને પ્રાધાન્ય આપવામાં આવશે.

ભાવિકો બિલ્વપત્ર પુજા લખાવી શકશે અને તે બિલ્વપત્રો સવાલક્ષની પુજા સોશ્યલ ડીસ્ટન્સની કાળજી સાથે જ કરવામાં આવશે.

શ્રધ્ધાળુઓ માટે સોમનાથ મંદિરે ધજા ચઢાવવાનું અનેરૃં મહત્વ હોય છે. જેમાં ધજા ચઢાવવા જતી વખત. મંદિર રેલીંગમાં ૫ ભાવિકોને જ ધજા ચઢાવવા રૂપે મંજૂરી અપાશે.

સોમનાથ મંદિર તરફથી મંદિર પ્રદક્ષિણા માર્ગમાં યોજાતી  ૫ાલખી શોભાયાત્રા સોમનાથ ટ્રસ્ટ યોજશે નહીં.

મંદિરનો દર્શન માટેનો સમય પ્રતિવર્ષના શ્રાવણ માસ જેવો નહીં હોય પરંતુ હાલ ચાલી રહેલ દર્શન સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ અને ૧૨:૩૦થી સાંજે ૬:૩૦ સુધી એટલે કે સવાર-બપોર અને સાંજની આરતીમાં ભાવિકોને બિલકુલ પ્રવેશ નહીં મળે.

મંદિરમાં પ્રતિવર્ષ યોજાતા સાધ્યા શણગાર -દિપમાળા યથાવત રહેશે.જેમાં બિલ્વ દલ શૃંગાર, રથારોહણ, શણગાર, ત્રિરંગા પુષ્પ શણગાર,મહાકાળ દર્શન શણગાર, લીલોતરી શૃંગાર, અમરનાથ શણગાર, નાગદર્શન, વૈષ્ણવ દર્શન, મોતી શણગાર, રૂદ્રાક્ષ શણગાર એવા શણગારો કરવા પ્રયત્ન થઇ રહ્યો છે. તા. ૨૧ જુલાઇથી શરૂ થતો શ્રાવણ માસ ૧૯ ઓગસ્ટે પૂર્ણ થશે.

જોગાનું જોગ આ પવિત્ર શ્રાવણમાસમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી-સોમનાથ ટ્રસ્ટના ચેરમેન -પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો જન્મદિવસ છે. હાલ સોમનાથ સુધી એસ.ટી. બસ વ્યવહાર ચાલુ છે.અને ટ્રેન વ્યવહાર બંધ છે.

મંદિરમાં દર્શાનાર્થીઓને નિયમન સાથે દર્શન કરવા પ્રવેશ અપાશે. અને દર્શન કર્યા પછી મંદિરમાં બેસવા -ઉભવા નહીં દેવાય.

(11:26 am IST)