Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કેશોદ પાલીકા લોકોના હક્ક છીનવી રહી છે, સર્વાનુ મતે થયેલ ઠરાવ મુજબ વધારાની રપ% વેરાની રાહત માત્ર હવમાંજઃ ચેમ્બર્સ પ્રમુખ

રહેણાંકમાં ૩પ% અને વાણીજયમાં ૪પ% વેરો બાદ કરવાના બદલે સરકારશ્રી તરફથી મળવા પાત્ર રહેણાંકમાં ૧૦% અને વાણીજયમાં ર૦% જેવી મિલ્કત વેરામાંથી રાહત અપાતા લોકોમાં રોષ : નિયમ મુજબ રેસીડેન્ટમાં ૧૦+રપ ટકા અને કોમર્શિયલમાં ર૦+રપ (૪પ) ટકા રાહત આપવા મગનભાઇ કોટડીયાની માંગઃ લોકોએ વાંધા અરજી સાથે વેરો ભરવા અનુરોધ

કેશોદ તા. ૧૪ : પાલીકા દ્વારા રહેણાંકમાં ૩પ% અને કોમર્શિયલમાં ૪પ% જેવો વેરો બાદ કરવાના બદલે પાલીકા બોર્ડ દ્વારા સર્વાનુમતે પસાર થયેલ ઠરાવ મુજબ વધુ રપ%ની રાહતને નજર અંદાજ કરી સરકારશ્રી તફરથી મળવા પાત્ર રહેણાંકમાં માત્ર ૧૦% અને વાણીજયમાં માત્ર ર૦% જેવી મિલ્કત વેરામાંથી રાહત અપાતા લોકોમાંં  રોષ જાગેલ છે.

આ મુદ્દે જાહેર હીતને ધ્યાને લઇ સ્થાનીક ચેમ્બર્સ, ઓફ કોમર્સ આગળ આવી અવાજ ઉઠાવેલ છે. ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મગનભાઇ કોટડીયાએ આક્રોશ સાથે જણાવેલ છે કે, કેશોદ નગરપાલીકા લોકોને મળવા પાત્ર હક્ક છીનવી રહેલ હોઇ તેવું જણાઇ રહેલ છે પાલીકા બોર્ડમાં થયેલ સર્વાનુમતે થયેલ ઠરાવ મજબની વધારાની રપ%ની વેરા રાહત માત્ર હવામાં ઉડાવી સરકારશ્રી દ્વારા કરવામાંં આવેલ ક્ષતીજ આપવામાંં આવેલ છ.

નોંધનીય છે કે, પ્રવર્તમાન કોરોના વાઇરસના કારણે ઉદ્દભવેલ મહામારી વચ્ચે લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઉપર માઢી અસર પડતા આર્થિક રીતે લોકોની કરસર લોકોની આર્થિક કમ્મર ભાંગી જવા પામેલ છે આ સ્થિતિ વચ્ચે આર્થિક કટોકટી સાથે ભારે મંદિ પ્રવર્તેલ હોઇ સરકાર વિવિધ પ્રકારની રાહતોની જાહેરાત કરી અર્થતંત્રને પુનઃ ગતીમાન કરવાના પ્રયાસ કરી રહેલ છે જેના ભાગરૂપે સરકારશ્રી ઉપરાંત સ્થાનિક નગરપાલીકા દ્વારા અલગ અલગ રીતે મિલ્કત વેરામાંથી રાહત આપવાની જાહેરાત કરેલ છે.

આ અંગે ચેમ્બર્સ પ્રમુખ મગનભાઇ કોટડીયાએ પ્રતિક્રિયા આપતાં જણાવેલ છે કે, રેસીડેન્ટમાં ૧૦ ટકા તથા કોમર્શીયલમાં ર૦ ટકા પ્રોપર્ટી વેરામાં રાજયની નગરપાલીકાની હદમાં આવતાં મિલ્કત ધારકોને રાહત આપવાનો નિર્ણય લઇ આ અંગેની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ.

બીજી તરફ પાલીકા બોર્ડ દ્વારા ઠરાવ નં. ૪૬ (૧) મુજબ રપ ટકા દિવાબતી અને સફાઇ વેરામાં રાહત આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ છે. જેનો સિધો અર્થ એ થાય છે કે, રહેણાંક માટે સરકારશ્રી તરફથી ૧૦ ટકા, સ્થાનીક પાલીકા તરફથી રપ ટકા મળી કુલ ૩પ ટકા તેમજ કોમર્શીયલ પ્રોપર્ટી માટે સરકારશ્રી તરફથી ર૦ ટકા અને સ્થાનીક પાલીકા તરફથી રપ ટકા મળી કુલ ૪પ ટકા વેરામાં રાહત મળવા પાત્ર થાય છે.

પરંતુ આશ્ચર્યજનક રીતે સર્વાનુમતે પસાર થયેલ વધારાની રપ ટકા જેવી રકમને નજર અંદાજ કરીને પાલીકાના સત્તાધીશોએ માત્ર સરકારશ્રી તરફ મળવાપત્ર રહેણાંક માટે ૧૦ ટકા અને કોર્શીયલ માટે ર૦ ટકા મિલ્કત વેરામાં રાહતનો લાભ આપી રહેલ છે. અને આ અંગે સત્તાધીશોએ પોતાના નામે દુકાનોએ તથા ઘરે - ઘરે પેમ્લેટો વેંચી પ્રજાના પૈસાનો પણ દુર ઉપયોગ કરેલ છે.

શ્રી કોટડીયાએ વધુમાં જણાવેલ કે, પાલીકા બોર્ડમાં સરકારશ્રીની જાહેરાત ઉપરાંત સ્થાનીક કક્ષાએથી પણ રાહત આપવાનો સર્વાનુમતે ઠરાવ થયેલ હોવા છતાં જેની  અમલવારી નહીં કરી લોકોને મળવાપાત્ર વધારાનાં રપ ટકા જેવી રકમની નુકશાની કરાવેલ છે. આ મુદ્ે મેં સંકલન સમિતિના સભ્ય હોવાના નાતે ડે. કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલ સંકલન સમિતિની બેઠકમાં સવાલ ઉઠાવેલ હતો. જેના પ્રત્યુતરમાં પાલીકા પ્રમુખ અને ચીફ ઓફીસર દ્વારા એવું જણાવામાં આવેલ કે, નિયામકશ્રી ભાવનગરને અમોએ આ ઠરાવને મંજૂરી માટે મોકલેલ છે. જે જવાબની સામે પાલીકાના નિયમો અંગેના મારા વર્ષો જુના અનુભવોના આધારે મેં રજૂઆત કરેલ હતી કે, કોઇપણ ઠરાવ સર્વ સંમતીથી થયેલ હોય તેને ના મંજૂર કરવાનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી. નિયમ મુજબ જે વિવાદીત ઠરાવ હોઇ અને જેમાં જનરલ બોર્ડમાં મતદાન થયુ હોઇ તો કદાચ  નિયામક નામંજુર કરે. આ ઠરાવતો સર્વાનુમતે થયેલ છે અને શહેરના પ્રત્યેક નાગરિકને ઉદ્ભવેલ કોરોના મહામારીમાં થયેલ આર્થિક રીતે થયેલ નુકશાનીનો છે. આ માટે કેન્દ્ર અને રાજય સરકાર પણ વિવિધ પ્રકારના રાહતોની જાહેરાતો કરી રહી છે ત્યારે પાલિકા બોર્ડના તમામ સભ્યોના સમર્થન સાથેનો ઠરાવ નામંજૂર કેવી રીતે થાય ?!

બીજી તરફ નિયામકશ્રી, ભાવનગરની મંજુરીના બહાના હેઠળ પાલિકા સત્તાધીશો હાલ તો રપ% વેરા રાહતના મુદાને કોરાણે મૂકી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે મંજુરી મળશે તો અમો આવતા વર્ષે રકમ બાદ કરી આપીશું. ત્યારે સવાલ એ ઉઠે છે કે, લોકો પ્રવર્તમાન સમયમાં આર્થિક કટોકટી અનુભવી રહેલ છે અને પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇને જ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવેલ. ત્યારે આ રાહત આવતા વર્ષે શું કામની ? તેવો સવાલ ઉઠાવી તેમણે લોકોને અનુરોધ કરતા જણાવેલ છે કે જયારે વેરો ભરવા જાય ત્યારે સાથે એક લેખિતમાં તંત્રવાહકોને વાંધા અરજી આપી આ અંગે જાહેરહીતને ધ્યાને લઇ એક જાગૃત નાગરિક તરીકે યોગ્ય રજુઆત અચુક કરવી.

હાલ તો આજ મળવાપાત્ર રપ% જેવી રાહતની વાત આવતીકાલ (ભવિષ્ય) પર છોડી આ મુદાને સતાધીશો પાછળ ઠેલવવાના પ્રયાસો કરી રહેલ છે.  સ્થાનિક શાસકોની આ નીતિને વખોડી કાઢતા અંતમા મગનભાઇ કોટડીયાએ આક્રોશ સાથે પાલિકા પ્રમુખને નિશાન બનાવતા જણાવેલ છે કે લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે તે મુદા પર પ્રમુખ સસ્તી પ્રસિદ્ધ મેળવવા હવાતીયા મારી રહ્યા છે. નગરિકો વેરાઓ ભરી પાલિકાની તીજોરી છલકાવી દે છે ત્યારે પ્રવર્તમાન સર્જાયેલ વરવી સ્થિતિ વચ્ચે સંજોગોને ધ્યાને લઇ લોકોને વધુને વધુ આર્થિક રાહત મળે તે સંસ્થાની ફરજ છે. આ માંગણી માત્ર અને માત્ર નાગરિકોના હકક માટેની છે કોઇ ખેરાત મેળવવા માટે નથી.

પાલિકા પ્રમુખ યોગેશભાઇ સાવલીયાએ આ અંગે મીડીયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી લોકોએ ગેરમાર્ગે નહીં દોરાવવાની અપીલ કરતા જણાવેલ છે કે, રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ જાહેર કરેલ જેના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવામાં આવેલ છે. જોકે તેઓએ પાલિકા બોર્ડ દ્વારા થયેલ રપ% રાહત અંગેની કોઇ જ સ્પષ્ટતા કરેલ ન હતી.

(11:22 am IST)