Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

વિંછીયા ખાતે જનભાગીદારીથી નવપલ્લવિત જવાહર બાગને ખુલ્લો મુકતા કુંવરજીભાઇ

રજવાડા સમયમાં બનાવવામાં આવેલો જવાહરબાગ ખંઢેર બની ગયો હતો હવે વિંછીયાનું ઘરેણુ બની ગયોઃ વિંછીયાની પ્રજાને ફરવાનું સુંદર સ્થળ બની ગયુ

વિંછીયા ખાતે નવપલ્લવિત જવાહર બાગને ખુલ્લો મુકતા કુંવરજીભાઇ બાવળીયા (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)(૧.૨)

આટકોટઃ વિંછીયા ખાતે વિંછીયાનુ અનમોલ ધરેણુ મનાતા અને સાવ જર્જરીત થઇ ગયેલા જવાહર બાગને સરકારશ્રીની નવિનીકરણ કરવામાં આવ્યુ હતુ જેને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રજાજનો માટે ખુલ્લો મુકયો હતો.

વિંછીયામાં બહારગામથી આવતા લોકોને અને ગ્રામજનો માટે વિહામો ખાવા આ બાગ રજવાડા દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય જાળવણીના અભાવે ત્રણ એકરમાં પથરાયેલ આ બાગ ખંઢેર બની ગયો હતો.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇએ આ બાગને નવિનિકરણ કરવા ટ્રઢ સંકલ્પ કર્યો અને ટુંકા ગાળામાં આ બાગ આજે વિંછીયાનું ઘરેણુ બની ગયો છે.

આ નવિનિકરણમાં સરકાર દ્વારા અને જન ભાગીદારીથી ખુબજ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ બાગને ખુલ્લો મુકતા કુંવરજીભાઇએ જણાવ્યુ હતુ કે પ્રમાણમાં ઓછો વિકાસ પામેલ વિંછીયા જસદણ તાલુકો હવે જવાહર બાગની જેમ નવ પલ્લવિત થઇ રહ્યો છે. રાજય સરકાર વિંછીયા અને જસદણ તાલુકાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા કટીબધ્ધ છે. વિંછીયાને ટુંક સમયમાં નવુ બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયતનું નવુ મકાન, કોર્ટનુ નવુ મકાન, સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા તેમજ બીજી યોજનાઓનો લાભ વધુ મળે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે વિંછીયા ગામમાં ટુંક સમયમાં ૩૬ કરોડના ખર્ચે ભુર્ગભ ગટરનું કામ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તે પાણીનું શુધ્ધિકરણ કરીને ખેતીવાડી અને આ બગીચાના ફુલ ઝાડ માટે વપરાશે.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યુ હતુ કે આપના વિસ્તારમાં અનેક વિકાસનાં કાર્યો થઇ રહ્યા છે. સ્વંય શિસ્તથી આ વિકાસને ટકાવી રાખવાની જવાબદારી આપણા બધાની બને છે.

નાયબ કલેકટર એ.એચ.ચૌધરી દ્વારા આ બાગને નવપલ્લવિત કરવા દાતાઓ દ્વારા માતબર રકમ મળી હોય દાતાઓની દાતારીને બીરદાવી હતી.

આ પ્રસંગે ખાસ આ બાગને નવ પલ્લવિત કરવામાં  જેમણે ખુબજ મહેનત કરી છે તેવા અને નિવૃત થયા બાદ પણ આ બાગની બાકિ રહી ગયેલી કામગીરી પુરી કરવા વિંછીયા રહેલા નિવૃત મામલતદાર એ.ડી. ચૌહાણનું પાંચાળ વિકાસ નવનિર્માણ સમિતિના વિનોદભાઇ વાલાણી સહિતનાઓએ ખાસ સન્નમાન કર્યુ હતુ. તેમજ દાતા ડો.જયંતિભાઇ મકવાણી, સુઝલોન એનર્જીના રામાણીભાઇ, સાઇટેક એનર્જીના કાનાભાઇનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે વિંછીયા-જસદણ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિંછીયા જસદણ તાલુકાના ભાજપના આગેવાનો તેમજ વિંછીયાના ગ્રામજનો હાજર રહ્યા હતા.

(12:19 pm IST)