Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

બગસરાના માવજીંજવામાં શાંતાબેન દાફડાને સગા ભાઇએ ફોન પર ધમકાવતાં સળગી જઇ આપઘાત

શાંતાબેનના દિકરા સાથે ભાઇ ગોવિંદ ખેતરીયાની દિકરી અસ્મિતાના લગ્ન થયા છેઃ અસ્મિતા હાલ રિસામણે હોઇ માથાકુટ ચાલતી'તીઃ ભાઇએ 'હવે પોલીસ ઘરે આવશે' એવું કહેતાં માઠુ લાગી ગયું

રાજકોટ તા. ૧૫: બગસરાના માવજીંજવામાં રહેતાં શાંતાબેન ખીમજીભાઇ દાફડા (ઉ.૪૦) નામના વણકર મહિલાને  સાવરકુંડલાના ઇંગોરાણા ગામે રહેતાં સગા ભાઇ ગોવિંદભાઇ મેપાભાઇ ખેતલીયાએ ફોન કરીને 'હવે પોલીસ તમારા ઘરે આવશે' તેમ કહી ધમકાવતાં તેણીએ ગભરાઇ જઇ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

શાંતાબેન દાફડાએ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે અગ્નિસ્નાન કરી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે બગસરા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનારા શાંતાબેનને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. તેના પતિ ખીમજીભાઇ કડીયા કામ કરે છે.

દિકરા વિજય દાફડાએ જણાવ્યું હતું કે મારા લગ્ન મારા મામા ગોવિંદભાઇની દિકરી અસ્મીતા સાથે એક વર્ષ પહેલા થયા છે. ઘરકામ બાબતે ચડભડ થતાં પત્નિ અસ્મિતા છએક મહિનાથી તેના માવતરે રિસામણે જતી રહી છે. આ બાબતે મામા સાથે મનદુઃખ ચાલતું હોઇ ગઇકાલે મામાએ મારા માતા શાંતાબેનને ફોન કરી  હવે તમારી ઘરે પોલીસ આવશે...તેમ કહી ધમકાવતાં માતાએ ગભરાઇ જઇ આ પગલું ભરી લીધું હતું.

બગસરા પોલીસે આ આક્ષેપોના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(12:13 pm IST)