Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

કચ્છમાં પવનચક્કીમાં લાગેલી આગથી સણોસરા ગામના લોકો ભયભીત- સતત અઢી કલાક ચાલ્યો ભયનો માહોલ

ભુજ, તા.૧પઃ કુદરતી પવન ઉર્જાના નામે કચ્છમાં આડેધડ પવનચક્કીઓને અપાઈ રહેલી મંજુરીઓ નો વિવાદ ચર્ચામાં છે ત્યારે હવે પવનચક્કીના કારણે ઉભા થયેલા સલામતીના પ્રશ્નએ લોકો માટે ચિંતા સર્જી છે. ગઈ કાલે રાત્રે ૮ વાગ્યે ભુજની નજીક આવેલા સણોસરા ગામે પવનચક્કીના ટર્બાઇનમાં લાગેલી આગે ગામ લોકોમાં ભયનો માહોલ સજર્યો હતો. રાતના અંધારામાં ફૂંફાડા મારતા પવન વચ્ચે લપકારા લેતી આગે લોકોને ચિંતિત કરી મુકયા હતા. વેસ્ટાસ કંપનીની પવનચક્કીઓ ભુજ થી કોટડા ગામ સુધીના અનેક ગામોમાં પથરાયેલી છે. ઊંચા ટર્બાઇનમાં લપકારા લેતી આગે આજુબાજુના ગામોમાં પણ ચિંતા અને ઉચાટ સજર્યા હતા. તેનું કારણ રાત્રે ૮ વાગ્યાથી શરૂ થયેલી આગને ઠારવા માટે વેસ્ટાસ કંપની પાસે કોઈ પણ અગ્નિશમન સાધનો નહોતા. અઢી કલાક પછી છેક ભુજથી ફાયરફાઈટર પહોંચ્યું હતું. સણોસરા ગામના ગ્રામજનો માટે જોખમ એ સર્જાયું હતું કે આગ જો અન્ય વીજ લાઈન મારફતે પવન ના કારણે પ્રસરી ગઈ હોત તો? સદભાગ્યે આ પવનચક્કીની નીચે વીજ સબસ્ટેશન નહોતું. મોટાભાગે પવનચક્કીની પાસે વીજળી એકઠી કરતું વીજ સબસ્ટેશન હોય છે. ગામને અડોઅડ આવેલી પવનચક્કીએ હવે કચ્છમાં સલામતીના પ્રશ્નો ખડા કર્યા છે. કચ્છના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કીઓ આવેલી છે. આથી અગાઉ કચ્છના અનેક વિસ્તારોમાં સરકાર ગૌચર જમીનમાં પવનચક્કી નાખવા તેમ જ ખાનગી જમીનોમાં પણ પવનચક્કી નાખવાના મુદ્દે વિવાદો થયા છે. તો, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પવનચક્કીઓ ના કારણે મોર સહિતના પક્ષીઓના મોત થતાં હોવાની અનેકવાર ફરિયાદો પણ કરી છે. જોકે, આગની આ દ્યટના પછી હવે પવનચક્કીએ માનવ વસાહત સામે પણ જોખમ સજર્યું છે, ત્યારે સરકાર અને વહીવટીતંત્રએ પણ સાવધાની દાખવી સુરક્ષા માટે પગલાં ભરવાનો સમય આવી ગયો છે.

(12:13 pm IST)