Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ખુશ્બુના અંતિમસંસ્કાર વેળા માતા-પિતાની હાલત બગડી

મહિલા એએસઆઈ-કોન્સ્ટેબલ કેસમાં રહસ્ય : માતા બેભાન થઇ, પિતા આઘાતમાં ઢળી પડયા : મહિલા એએસઆઇ ખૂશ્બુની અંતિમવિધિમાં લોકો ઉમટી પડ્યા

અમદાવાદ, તા.૧૪ : રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં દરરોજ નવા ખુલાસા અને નવી વાતો સાથે રહસ્ય ઘૂંટાતુ જાય છે. બીજીબાજુ, મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબારના મૃતદેહને તેના વતન જામજોધપુર લાવવામાં આવ્યો હતો. ત્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમના ભાઈ અમરનાથ યાત્રાએ ગયા હોવાથી તેમના આવ્યા પછી  અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમયાત્રા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતો. અંતિમયાત્રા સમયે મૃતક ખુશ્બુના માતા આઘાતથી બેભાન થઈ ગઇ હતી અને પિતા પણ બે વખત ઢળી પડ્યા હતા. પરિવારના આધારસ્તંભ સમાન પુત્રીના આકસ્મિક મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, આ સમગ્ર અંતિમવિધિમાં ખુશ્બૂનો મિત્ર એટલે કે વિવેક કુછડીયા પણ હાજર રહ્યો હતો. જે સમગ્ર કેસમાં શંકાના દાયરામાં છે. ખુશ્બુ કાનાબારની અંતિમયાત્રામાં સ્થાનિક ગ્રામજનો સહિતના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર કેસમાં પોલીસને ખુશ્બુના સહકર્મી એએસઆઇ વિવેક કુછડીયાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. વિવેક કુછડિયા ખુશ્બુનો બેચમેટ હતો અને પોલીસને તપાસમાં તેની પાસેથી ફ્લેટની બીજી ચાવી મળી આવી છે. પોલીસને આશંકા છે કે આ કેસ આપઘાતનો નથી પરંતુ હત્યાનો છે કે કેમ તેથી પોલીસ તમામ પાસાઓને ચકાસીને અત્યંત ઝીણવટભરી રીતે અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક ઢબે તપાસ ચલાવી રહી છે. પોલીસે આ કેસમાં સીસીટીવીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખુશ્બુના નિવાસ સ્થાને મોડીરાતે એક શંકાસ્પદ કારે આવનજાવન કર્યુ હતું. પોલીસને આ કાર એએસઆઇ વિવેક કુછડિયાની હોવાની આશંકા છે. પરિણીત રવિરાજસિંહ અને અપરિણીત ખુશ્બુના પ્રેમપ્રકરણમાં બંને એક નહીં થઇ શકે તે મુદ્દે બોલાચાલી થતાં મામલો હત્યા કે આપઘાત સુધી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. એફએસએલની ટીમ પહોંચી તે પહેલા પોલીસે બંનેના મૃતદેહો મૂળ સ્થિતિથી હટાવી દૂર કરી દીધા હતા. મહિલા એએસઆઇ ખુશ્બુ આંતરવસ્ત્ર પહેરેલી હાલતમાં હતી. સ્પર્મ સહિતના સેમ્પલો એફએસએલમાં મોકલાયા છે. ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે થયેલી વોટ્સઅપ ચેટ પણ કાઢીને ચેક કરવામાં આવી રહી છે. પોલીસે શંકાસ્પદ તમામ લોકોનાનિવેદન અને પૂછપરછ કરી કેસની ખૂટતી કડીઓને જોડવાનો પ્રયાસ કરી સમગ્ર પ્રકરણમાં સત્ય બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે.

(9:28 pm IST)