Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ટંકારામાં ૧૮+ વેકસીનેશન સેન્ટર શરૂ, પણ વેકસીન આપવામાં તબીબોની અવળ ચંડાઇ ?

ટેકનિકલ ફોલ્ટનું બાનું આગળ ધરી માનસિક રીતે ટોચર કરતા હોવાનો આક્ષેપ : તપાસના આદેશ છુટયા

ટંકારા, તા. ૧પ : ટંકારાના યુવાધનને સમયસર કોરોના વેકસીન ન મળે તેવું ઇચ્છતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે સેન્ટર ફાળવવા છતાં દાંડાઈ કરી લોકોને કતારમાં ઉભા રખાવી કલાકો સુધી રસી આપવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી જન્મી છે, બીજી તરફ રસીકરણમાં ગંભીર બેદરકારી મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને સ્થળ ઉપરથી જ ફરિયાદ કરાતા તપાસના આદેશ અપાયા છે.

એક લાખથી વધુની વસ્તી ધરાવતા ટંકારા તાલુકામાં યુવાધનને રસીકરણ માટે ગામડે ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ટંકારા સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ ઉભી કરી દેતા ૧૮થી ૪૪ વર્ષના નાગરિકોને થતા અન્યાય મામલે મિડીયામા અહેવાલ પ્રસિદ્ધ કરતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજથી ટંકારા સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્ર ફાળવી રસીકરણ શરૂ કરાયુ છે.

પરંતુ ટંકારા સિવિલના આરામપ્રિય તબીબોને અને કર્મચારીઓને કામ કરવાની દાનત ન હોય આજે સવારે પોણા દશ વાગ્યા સુધી એકપણ નાગરિકને રસી મુકવામાં આવી ન હતી. લોકો સવારે સાડા આઠ વાગ્યાથી હોસ્પિટલમાં કતાર લગાવી ગોઠવાઈ ગયા હોવા છતાં જવાબદાર ડોકટર કે ર્નસિંગ સ્ટાફ રસીકરણ કેન્દ્રમાં ડોકાયા ન હતા.

યુવાધનને કોરોના રસીકરણથી વંચિત રાખવાના આ કારસા અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાને તાકીદે ફરિયાદ કરવામાં આવતા તેમને તાત્કાલિક તપાસનો આદેશ કર્યો છે ત્યારે તપાસમા મામકાવાદ કરવામાં ન આવે તો સગવડ વિનાની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવશે એમા કોઈ શંકાને સ્થાન નથી

ટંકારાના યુવાનો એ આરોપ લગાવતા જણાવ્યું હતું કે અહીં જાણીજોઇને હેરાન પરેશાન કરે છે જેથી આ કેન્દ્રનો નેગેટિવ મેસેજ જાય અને યુવાનો બિજુ કેન્દ્ર પસંદ કરે ત્યારે રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ આ અંગે તાત્કાલીક યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે.

(1:08 pm IST)