Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના કેસમાં ધ્રોલની કોર્ટે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને કરેલ સજાનો હુકમ રદ કરતી જામનગરની સેશન્સ કોર્ટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧પ :.. જામનગર જીલ્લાના ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના કેસમાં ધ્રોલની કોર્ટે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને કરેલ સજાનો હુકમ જામનગર સેશન્સ કોર્ટે રદ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, ગઇ તા. ૧૬-૮-ર૦૦૭ ના રોજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ફરીયાદી સ્મિતાબેન વેલજીભાઇ શાહ તેની ફરજ ઉપર હતાં. ત્યારે સવારના સગા અગિયાર વાગ્યાના અરસામાં હોસ્પિટલ બહાર હાય હાયના જોર જોરથી અવાજ આવતા હોય ફરીયાદી સ્મિતાબેન પેશન્ટને તપાસી બહાર નીકળતા તેવામાં અંદર લોબી સુધી આ ટોળું આવી જતા અને તેવામાં તેની ચેમ્બરમાના પેશેન્ટ બહાર બેઠેલા હોય તેઓ પણ ગભરાઇને ચેમ્બરમાં ઘુસી ગયેલ અને ચેમ્બરનો દરવાજો અંદરથી બંધ કરી દીધેલ અને દરવાજા ઉપર કોઇ જોર જોર ભારે વસ્તુ મારવાનો અવાજ આવતા આ ચેમ્બરની બહાર લાકડાના ટૂકડાના ઘા કરતા ચેમ્બરનો દરવાજો ખોલતા ચેમ્બરની અંદર ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ, પ્રતાપસિંહ, જીતુભાઇ ખીમજીભાઇ, જયેશભાઇ ભટ્ટ વિગેરે ચેમ્બરની અંદર ઘુસી ગયેલ અને ફરીયાદી ડો. સ્મિતાબેનને ધકકો મારેલ.

અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે આ હોસ્પિટલમાં કોઇ ડોકટર નથી, કોઇ સુવિધા નથી. ઉગ્ર અવાજ બિભત્સ શબ્દ બોલવા લાગેલ અને આવું બીભત્સ વર્તન કરણસિંહ તથા જીતુ શ્રીમાળીએ પણ કરેલ. અને વોર્ડમાં લોખંડના પલંગ તથા લોકર ઉંધા વાળી દીધેલ અને નરેન્દ્રસિંહ જાડેજાએ ધ્રોલ તાલુકા કોંગ્રેસના લેટરપેડ ઉપર આવેદન પત્ર આપેલ. અને ત્યારે પોલીસ આવી જતા આ લોકો સુત્રોચ્ચાર કરતા કરતા બહાર નીકળે ગયેલ અને દર્દીને બેસવાના બાકડા આ ટોળાના માણસોએ ઉંધા પાડી દીધેલ અને ઓપ્થેમીક આસીસ્ટન્ટના રૂમનો કાચ તોડી નાખેલ હતો.

તેમજ ડો. ડાંગેરાના રૂમમાં રાઇટીંગ ટેબલ ઉંધુ વાડી દીધેલ તેમજ બી. પી. માપવાનું ઇન્સ્ટ્રુમેન્ટ તોડી નાખેલ હતું અને ફરીયાદી ડો. સ્મિતાબેન તથા ડો. જૈનના રૂમના દરવાજાને બહારથી કોઇ વસ્તુ માળી નુકશાન કરેલ હતું.

આ બનાવની ફરીયાદ ડો. સ્મિતાબેન વેલજીભાઇ શાહએ આરોપી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ વિનોદરાય ભટ્ટ, જીતેન્દ્ર ખીમજીભાઇ શ્રીમાળી, કરણસિંહ, પ્રતાપસિંહ જાડેજા, સબીર મહમદ ચાવડા, લખધીરસિંહ લાલુભા જાડેજા અને પાંચામાઇ કડવાભાઇ વરૂ એમ કુલ આઠ આરોપીઓ સામે ફરીયાદ આપેલ. આ ફરીયાદ ધ્રોલ પોલીસે ઇ. પી. કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૧૮૯, ૩પ૩, ૪પર, પ૦૪, અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની કલમ ૩ મુજબનો ગુનો નોંધી ઉપરોકત આઠ આરોપીઓની ધરપકડ કરેલ.

આ કેસ ધ્રોલના જયુડીશ્યલ મેજી. ફસ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ (૧) રાઘવજીભાઇ પટેલ, (ર) નરેન્દ્રસિંહ જાડેજા, (૩) જયેશ વિનોદરાય ભટ્ટ (૪) જીતેન્દ્ર ખીમજીભાઇ શ્રીમાળી અને (પ) કરણસિંહ પ્રતાપસિંહ જાડેજાને તકસીરવાન ઠરાવી અને જુદી જુદી કલમોમાં છ-છ મહિનાની અને રૂ. ૧૦,૦૦૦ ના દંડની સજા કરેલ.

આ ચુકાદા સામે ઉપરોકત આરોપીઓએ વકીલ મનોજ એમ. અનડકટ, કેતન પી. આશર તથા રાજેશ એમ. અનડકટ, મારફત જામનગરના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં સજાના હુકમ સામે છોડી મુકવા માટે અપીલ કરેલ. આ અપીલ જામનગરના સેશન્સ જજ શ્રી ટી. આર. દેસાઇ સાહેબની કોર્ટમાં ચાલી જતા જામનગરની સેશન્સ કોર્ટે તેના કુલ ૧૪ર પાનાનું જજમેન્ટ આપેલ અને ધ્રોલની કોર્ટે ઉપરોકત આરોપીઓને કરેલ સજાનો હુકમ રદ કરી અને તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને દંડની રકમ જે ભરેલ તે પરત આપવા હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે મનોજ એમ. અનડકટ, કેતન પી. આશર, ઝાકીર એમ. શેખ,  રાજેશ એમ. અનડકટ, ભરતસિંહ જાડેજા (ભાતેલ), નિર્મળસિંહ જાડેજા, કલ્પેશ બી. દાવડા, હસમુખ બી. જેઠવા, જીત એમ. અનડકટ રોકાયા હતાં.

(12:05 pm IST)