Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટના ફોટોગ્રાફર જયેશ રાઠોડ સહિત બેને દારૂના જથ્થા સાથે એલસીબીએ ઝડપી લીધા

વિંછીયા પાસેથી દબોચી લેવાયાઃ ઈનોવા કાર અને ૬૮૪ બોટલ દારૂ સહિત ૫.૪ લાખનો મુદ્દામાલ કબ્જેઃ જયેશ સામે રાજકોટમાં પણ દારૂના ગુન્હા નોંધાયા છે

રાજકોટ, તા. ૧૫ :. વિંછીયા પાસે રૂરલ એલસીબીએ દારૂ ભરેલી ઈનોવા કાર સાથે રાજકોટના ફોટોગ્રાફર સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર. ગોહિલ તથા પીએસઆઈ વી.એમ. કોલાદરાની ટીમ વિંછીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે છાંસીયા ગામ પાસે વોચ ગોઠવી ઈનોવા કાર નં. જીજે ૦૫સીપી ૨૦૩૮ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૮૪ કિં. ૨,૦૫,૨૦૦નો જથ્થો મળી આવતા કારમાં બેઠેલા જયેશ પ્રતાપભાઈ રાઠોડ રે. લક્ષ્મીવાડી બ્લોક નં. ૭ કવાર્ટર નં. ૫૧ રાજકોટ તથા કાર સાથે પાઈલોટીંગ કરતા વિપુલ ભુરાભાઈ કોળી રહે. મેવાસા તા. ચોટીલાને કાર, બાઈક અને ૨ મોબાઈલ મળી કુલ ૫,૪૦,૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડી વિંછીયા પોલીસના હવાલે કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ જયેશ ફોટોગ્રાફી સાથે દારૂ વેચવાનો ધંધો પણ કરે છે. જયેશ તથા તેના પિતા સામે રાજકોટમાં પ્રોહીબીશનના ગુન્હા નોંધાયા છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના હેડ કોન્સ. મહેશભાઈ જાની, મહિપાલસિંહ જાડેજા, અમિતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. રહીમભાઈ દલ, પ્રણયભાઈ સાવરીયા, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઈ મકવાણા, અમુભાઈ વિરડા તથા અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

(11:59 am IST)