Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મોરબી-રાજકોટ ઇન્ટરસીટી બસ સુવિદ્યા પુનઃ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સુચના

બસ રૂટો પુનઃ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો થતાં વિભાગીય નિયામક – રાજકોટને તાકીદનો પત્ર પાઠવ્યો

મોરબી બસ ડેપો દ્વારા કોરોનાના સંક્રમણ વખતે બંધ કરવામાં આવેલ બસ રૂટો હવે જ્યારે પરિસ્થિતી રાબેતા મુજબની થઈ રહી છે ત્યારે બસ રૂટો પુનઃ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો થતાં વિભાગીય નિયામક – રાજકોટને તાકીદનો પત્ર પાઠવી મોરબી ડેપોના કોરોના કાળમાં સ્થગિત કરાયેલ બસ રૂટો તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરી છે
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી – ભાવપર, મોરબી – મોટા દંહીસરા – ચમનપરના સવારના બસ રૂટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના બસ રૂટો પણ તાકીદે ચાલુ થાય તે માટે પુનઃ સૂચના આપી છે. તદુપરાંત મોરબી – રાજકોટ વચ્ચે અગાઉ ઈન્ટરસિટી બસ સુવિધા ઉપલબ્ધ હતી તે કોરોના કાળ દરમિયાન સ્થગિત કરવામાં આવેલી તે બસ સેવા પણ પુરતી માત્રામાં પુનઃ ચાલુ થાય તેમ કરવા માટે વિભાગીય નિયામક, એસ.ટીને ધારાસભ્ય દ્વારા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે મોરબી – રાજકોટ વચ્ચે મુસાફરોનો ટ્રાફિક વધુ રહેતો હોય આ ઈન્ટરસિટી બસ સુવિધા પૂરતી માત્રામાં ચાલુ કરવી જરૂરી છે.
હાલ આ ઈન્ટરસિટી બસ સુવિધા ચાલુ ન હોવાને લીધે મુસાફરોને ન છૂટકે ખાનગી વાહનોમાં મોરબી – રાજકોટ વચ્ચે મુસાફરી કરવી પડે છે. જેમાં ઘણી વખત જાનનું પણ જોખમ રહે છે અને આર્થિક રીતે પણ વધુ ફટકો પડે છે જેથી વિના વિલંબે મોરબી – રાજકોટ વચ્ચે ઈન્ટરસિટી બસ સુવિધા અગાઉના ધોરણે પુનઃ ધબકતી થાય તેમ કરવા ધારાસભ્યએ એસ.ટી. તંત્રને જણાવ્યુ છે.

(8:18 pm IST)