Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ચોમાસાના વિધિવત પ્રારંભ પહેલા સોરઠમાં છેલ્લા ત્રણ દિવસમાં ૩૯ ઇંચ વરસાદ

ધરતી પુત્રો-ખુશ ખુશાલ-વાવણીના કામકાજની તૈયારીઓ શરૃઃ જૂનાગઢના દામોદર કુંડ અને નરસિંહ સરોવરમાં નવા નીર

જૂનાગઢ તા. ૧પ :.. ચોમાસાનાં વિધિવત પ્રારંભ પહેલા સોરઠમાં છેલ્લા ત્રણ જ દિવસમાં ૩૯ ઇંચ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થઇ ગયા છે અને વાવણીનાં કામકાજની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વાયુ વાવાઝોડાની અસરનાં પગલે જૂનાગઢ જિલ્લામાં તા. ૧૩ થી શરૂ થયેલી મેઘ સવારની આજે વહેલી સવારથી થંભી ગઇ છે. સવારે જૂનાગઢ સહિતનાં વિસ્તારોમાં સૂર્યનારાયણના દર્શન સાથે વરાપ પણ નીકળી હતી. જો કે હજુ આકાશમાં કાળા વાદળા હોય વરસાદનું જોર યથાવત છે.

સંભવિતનાં વાવાઝોડાને પગલે આખી રાત તોફાની પવન ફુંકાયો હતો. પરંતુ સવારથી પવનની ગતિ મંદ પડતા લોકોએ રાહત અનુભવી છે.

આજથી ચોમાસાના વિધિવત પ્રારંભ થયો છે. જો કે, તે પહેલા છેલ્લા ત્રણ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૯ ઇંચ પાણી વરસાવી દઇને લીલા લહેર કરી દીધા છે.

આજે સવારે પુરા થયેલા ર૪ કલાક સુધીમાં ભેંસાણ ખાતે કુલ ૭૩ મી.મી. એટલે  ત્રણ ઇંચ, કેશોદ ૭૮, જૂનાગઢ-૧૦૯, માળીયા હાટીના-૧૩૦, માણાવદર-૪૧, માંગરોળ-૧૩૦, મેંદરડા-૧ર૩, વંથલી ૧ર૧ અને વિસાવદર વિસ્તારમાં ત્રણ દિવસમાં ૭પ મી.મી. વરસાદ નોંધાયો છે.

આમ સોરઠમાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ૯૮૯ મી.મી. એટલે કે ૩૯ ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોએ વાવણીના કામકાજની તૈયારીઓ આરંભી દીધી છે.

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૭ર કલાકમાં ૧૦૯ (૪ ઇંચ) વરસાદ વરસ્યો છે. ગિરનાર અને દાતાર પર્વત ઉપર ધોધમાર મેઘકૃપા વરસાદ રહ્યો હતો. જેના પરિણામે આ બંને પર્વત પરથી નવા પાણીનાં ઝરણા શરૂ થઇ ગયા છે.

આજ પ્રમાણે ભવનાથ ખાતેનાં પવિત્ર દામોદર કુંડ, વિલીગ્ડન ડેમ અને જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક થઇ છે.

આ ઉપરાંત નદી-નાળા પણ સજીવન થતાં લોકોમાં ખુશી છવાઇ ગઇ છે.

(11:40 am IST)