Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સાયલા પાસે ૨૭ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સાયલાથી બોટાદ તરફ દારૂ જઇ રહ્યો હતોઃ જથ્થો કોણે મોકલ્યો, કોના માટે આવ્યો? તેની તપાસઃ સ્ટેટ મોનિટરીંગ સેલનો રાત્રે દરોડોઃ પાવડર અને ભુસાની ગુણીઓ પાછળ છુપાવાયેલો ૭૭૫ પેટી દારૂ મળી કુલ રૂ. ૪૩ લાખનો મુદ્દામાલ કબ્જેઃ રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ, કલીનર ભાગી ગયોઃ પીએસઆઇ એસ. એન. રામાણી અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૫: સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સાયલા પાસેથી ૨૭ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે રાત્રે ટ્રકચાલક રાજસ્થાની શખ્સને ઝડપી લઇ કુલ રૂ. ૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ટ્રક અટકાવતાં કલનીર ભાગી ગયો હતો. સફેદ પાવડર અને ભુસાના કોથળાઓની પાછળ દારૂની પેટીઓ છુપાવાઇ હતી. આ જથ્થો બોટાદ સુધી પહોંચાડવાનો હતો. સાયલા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનનિટરીંગ સેલના પીએસઆઇ એસ.એન. રામાણી, હેડકોન્સ. જયુભા પરમાર, હેડકોન્સ. મહમદ હારૂનભાઇ, રાણાભાઇ, જયસુખભાઇ સહિતનો સ્ટાફ સુરેન્દ્રનગર જીલ્લામાં દારૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ રામાણીને બાતમી મળી હતી કે સાયલા બોટાદ રોડ પર આરજે૨૩જીએ-૩૭૯૫ નંબરનો ટ્રક વિદેશી દારૂ ભરીને બોટાદ તરફ જવા નીકળવાનો છે.

આ બાતમીને આધારે સાયલા-બોટાદ રોડ પર પેટ્રોલીંગ રાખતાં રાત્રીના અગિયારેક વાગ્યે સાયલા નજીક પ્રાથર્ના પેટ્રોલ પંપ પાસે બાતમી મુજબનો ટ્રક નીકળતાં તેને અટકાવતાં કલીનર ઠેકડો મારી ભાગી ગયો હતો. ચાલકને સકંજામાં લઇ ટ્રકના ઠાઠામાં તપાસ કરતાં તેમાંથી સફેદ પાવડર અને ભુસાના કોથળા મળ્યા હતાં. તે હટાવતાં પાછળથી દારૂની કુલ ૭૭૫ પેટીઓ (૯૩૦૧ નંગ બોટલ) કિંમત રૂ. ૨૭ લાખનો મળીઆવતાં તે તથા ૧૫ લાખનો ટ્રક મળી કુલ ૪૩,૦૭,૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ બારામાં સાયલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવર રાકેશ કુમાવત (રહે. ચટ, જી. શીકર રાજસ્થાન)ની વિશેષ પુછતાછ હાથ ધરી છે. તેના કહેવા મુજબ બોટાદ પહોંચ્યા પછી આ દારૂ કોને આપવાનો છે? તેનો ફોન આવવાનો હતો. રાજસ્થાનથી આ જથ્થો કોણે મોકલ્યો? તે સહિતના મુદ્દે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)